અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન યુવતીની ભાળ મળી ગઈ છે
અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન યુવતીની ભાળ મળી ગઈ છે, તે છેલ્લા 13 દિવસથી ગુમ થઈ હતી. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ મલિકે પ્રેસ કેન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ફરિયાદી યુવતી પોતાના વતન પરત જતી રહી છે.
યુવતીના વકીલે ગુમ થયાની જેસીપીને ફરિયાદ કરી હતી
થોડા-સમય પહેલા અમદાવાદની જાણીતી કેડિલા કંપનીના CMD રાજીવ મોદી અને તેના મેનેજર જોન્સન મેથ્યૂ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ શરુ કરી હતી. જો કે ફરિયાદી બલ્ગેરિયન યુવતી છેલ્લા 13 દિવસથી ગુમ થઈ હતી. બલ્ગેરિયન યુવતીના વકીલે આ મામલે જેસીપીને ફરિયાદ કરી હતી જેમાં ઉલ્લેખ કર્યો હતો કે 24 જાન્યુઆરી બાદથી યુવતીનો સંપર્ક થઇ શક્યો નથી તેમજ તેની સુરક્ષાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી.
વકીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લે યુવતીનો સંપર્ક રીંગરોડ પર આવેલા બાલાજી અગોરા મોલ પાસે મળી આવ્યો હતો. થોડા દિવસ બાદ યુવતી પોતાના વકીલ સાથે તપાસ અધિકારીને નિવેદન નોંધાવવા જવાની હતી પરંતુ અધિકારી તેમના ખાતાના કામમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું ન હતું.
શું છે મામલો ?
અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. અરજદાર યુવતી દ્વારા કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ આઇપીસીની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી.