રાજકોટમાં બાઈક પર જતા પિતા-પુત્રને ટેન્કર કચડી નાખ્યા, 2 સેકન્ડમાં બંનેના કરુણ મોત
રાજકોટમાં સંત કબીર રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટેન્કરનું પાછલા ટાયર નીચે આવી જતા બાઈક સવાર પિતા-પુત્રના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને લઈને પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઓવરટેકિંગ કરવા જતા રોડ પર પડ્યા પિતા-પુત્ર
વિગતો મુજબ, રાજકોટના સંત કબીર રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસેથી શૈલેષ પરમાર પોતાના પુત્ર અજય સાથે બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા. આ તેઓ ટેન્કરને ઓવરટેક કરવા જતા સામે એક વ્યક્તિ આવી જાય છે. એવામાં બ્રેક મારતા બાઈક પરથી સંતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે.
ત્યારે જ ટેન્કરનું પાછળનું ટાયર નીચે પડેલા પિતા અને પુત્ર પરથી ફરી વળે છે. ધ્રૂજાવી મૂકે તેવી અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે હવે સામે આવી રહ્યા છે.
લગ્ન માટે યુવક સુરતથી રાજકોટ આવ્યો હતો
ખાસ છે કે શૈલેભાઈ પરમાર સંત કબીર રોડ પર પોતાના ઘરે જ ચેઈન કટીંગ કરીને મજૂરી કામ કરતા હતા. જ્યારે મૃતક અજય પરમાર સુરતમા એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતો હતો અને કૌટુંબિક બહેનના લગ્ન હોવાથી સુરતથી રાજકોટ આવ્યો હતો. પોલીસે ઘટનાને લઈને મૃતકના પરિવારજનોના નિવેદન નોંધીને ફરિયાદ કરવાની કામગીરી આરંભી છે.