લગ્ન પહેલા દ્વારકા જવા નીકળેલા યુવક-યુવતીનું કમકમાટીભર્યું મોત, ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે વહેલી સવારે અકસ્માતમાં પણ 2 લોકોના મોત
આપણે ત્યાં એક પંક્તિ છે કે, ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું…. આવી જ બે ઘટનાઓ ગુજરાતમાં સામે આવતા શોકનો માહોલ છવાયો છે. રાજ્યમાં વધતાં જતાં માર્ગ અકસ્માતના બનાવો વચ્ચે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજ્યના બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે.

વિગતો મુજબ સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતા 2 લોકોના મોત થયા તો 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ તરફ જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલ યુવક-યુવતીની કાર ધુમ્મસના કારણે પુલ નીચે ખાબકતા મોત થયું છે.
બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતા 2 લોકોના મોત
રાજ્યના સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતમાં 2નાં મોત થયાનું સામે આવ્યું છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા હતા.
આ તરફ આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માત જનશાળી ગામના પાટિયા પાસે બન્યો હતો. ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લગ્ન ન થઈ શક્યા… પ્રેમ અમર થઈ ગયો…
આ તરફ જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. અહીં સ્થિતિ એવી બની કે, યુવક-યુવતીના લગ્ન ન થઈ શક્યા પણ તેમનો પ્રેમ અમર થઈ ગયો. વિગતો મુજબ જે યુવક-યુવતીના બે મહિના બાદ લગ્ન થવાના હતા તેઓ પરિવાર સાથે દ્વારકા જવા નીકળ્યા હતા.
આ દરમિયાન ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકતા યુવક-યુવતીનું મૃત્યુ થયો છે. દ્વારકા જઈ રહેલા પરિવારના સભ્યોને લીંબડી નજીક અકસ્માત નડતાં યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.