ભાવનગર મહાનગર પાલિકાના કર્મચારીની ધંધાકિય લેવડ દેવડમાં જાહેરમાં હત્યા કરાઈ. સંઘેડિયા બજારમાં જાહેરમાં ઈલિયાસ બેલીમની છરીના ઘા મારીને હત્યા કરાઈ
ભાવનગરમાં લુખ્ખા તત્વોને હવે પોલીસને પણ ભય ન હોય તેમ બેફામ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. શહેરના શેલરશાહ વિસ્તારમાં આવેલ સંઘેડિયા બજારમાં ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલમાં ફરજ બજાવતા કર્મચારીની જાહેરમાં હત્યા નીપજાવી દેવાતાં ચકચાર મચી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવકને ધંધાકીય લેવડ દેવડમાં બોલાચાલી થયા બાદ આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.
ધંધાકિય લેવડ દેવડમાં મનપા કર્મચારીની હત્યા
સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ, શહેરના અમીપરા વિસ્તારમાં રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગમાં ફરજ બજાવતા અને શહેરના કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ બેલીમની સંઘેડિયા બજાર વિસ્તારમાં સરફરાઝ ઉર્ફે નાનકો સહિતના આરોપીઓ દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે.
આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
છરી વડે શખ્સોએ હુમલો કર્યો
આ હત્યા અંગે પોલિસ અધિકારી મુખ્ય મથક (ડી.વાય.એસપી) આર.વી.ડામોરે જણાવ્યું હતું કે, સાંજના અરસામાં શહેરના સંઘેડીયા બજાર નજીક ઈલિયાસ બેલિમ અને સરફરાજ ઉર્ફે નાનકો સહિતના ઈસમો વચ્ચે ધંધાકીય લેવડદેવડ બાબતે ઝઘડો થયો હતો.
જેમાં સરફરાજ સહિતના આરોપીઓએ છરી વડે ઈલિયાસ પર હુમલો કરી દેતા ઈલિયાસને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બાબતે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે.