‘મારો શું વાંક છે…’ ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે મંદિર જવા માગતા રાહુલ ગાંધીને અટકાવાતા વિવાદ
ભારત જોડો ન્યાય યાત્રા : રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કાર્યક્રમો હોવાથી બતાદ્રાવા થાન તીર્થસ્થળના મેનેજમેન્ટે 3 વાગ્યા પછી આવવા કહી દીધું હતું



Ramlala Pran Pratishtha: 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. ત્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે જાણીતી હસ્તીઓ અયોધ્યા પહોંચી રહી છે. જો કે વિપક્ષી નેતાઓએ સત્તાવાર રીતે આ કાર્યક્રમનો બહિષ્કાર કરી દીધો છે. તેમનો આરોપ છે કે આ રામ મંદિરનું ઉદ્ઘાટન નથી, પરંતુ ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ છે.
જો કે, ઘણા વિપક્ષી નેતાઓ આ દિવસે અન્ય કોઈ મંદિરની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે આસામના પ્રવાસે છે. અહીં રાહુલ ગાંધી આજે આસામના બતાદ્રાવા થાનના તીર્થસ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. જોકે મંદિર સમિતિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેનેજમેન્ટે કહ્યું કે, અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે રાહુલ ગાંધીને અહીં મંદિરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે જેને લઈને હવે વિવાદ થયો છે.
મંદિર સમિતિએ શું કહ્યું?
રાહુલ ગાંધી દ્વારા મંદિરની મુલાકાત લેવાના પ્રશ્ન પર આસામના તીર્થસ્થળ બતાદ્રાવા થાનની મેનેજમેન્ટ સમિતિએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના સાંસદને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમાપ્ત થયા બાદ અહીંના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. મેનેજમેન્ટ કમિટીએ કહ્યું હતું કે અહીં પણ લગભગ 10000થી વધુ ભક્તો આવશે તેવી આશા છે જેના પગલે અમે રાહુલ ગાંધીનું સ્વાગત કરી શકીએ તેમ નથી. એટલા માટે તેમને 3 વાગ્યા પછી મંદિરે આવવા કહેવાયું છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં હજારો ભક્તો એકઠા થશે. આ કારણોસર રાહુલ ગાંધીની મુલાકાત બપોરે 3 વાગ્યા પછી નિર્ધારિત કરવામાં આવી છે.
રાહુલ ગાંધી શું બોલ્યાં?
આ સૌની વચ્ચે રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને મંદિરે જતાં રોકવામાં આવી રહ્યો છે. હું તો ફક્ત ભગવાન સામે જઈને હાથ જોડીને આશીર્વાદ લેવા માગતો હતો. આ લોકો અયોધ્યાના મંદિરનો હવાલો આપી મને અટકાવી રહ્યા છે. એમાં મારો વાંક શું છે. હું તો સરકારને સવાલ કરી રહ્યો છું.