અડાલજ પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો ,જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે જાણવા માટે તપાસ શરુ
ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે અડાલજ પોલીસ દ્વારા ભંગારના ગોડાઉનમાં દરોડો પાડી વિદેશી દારૂ બિયરનો વેપલો કરતા વેપારીને ઝડપી લેવામાં આવ્યો હતો તેની પ્રોહીબિશન એક્ટ મુજબ ધરપકડ કરીને આ બિયરનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે જાણવા માટે તપાસ શરુ કરવામાં આવી છે.
ગાંધીના ગુજરામાં દારૂબંધીનો કાયદો બનાવવામાં આવ્યો છે,પણ તે માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ અન્ય રાજ્યોની સરખામણીઓમાં ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન કરાય છે. ત્યારે પોલીસ પણ હવે સતર્ક બની છે. અડાલજ પોલીસે ભંગારના ગોડાઉનમાંથી દારૂ સાથે બૂટલેગરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની કાર્યવાહીથી અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.અડાલજ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફરતા ફરતા મહારાજા હોટેલ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે શિવ શક્તિ પાર્લરની બાજુમાં આવેલ ભંગારના ખુલ્લા ગોડાઉનમાં એક ઈસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના દ્રારા દરોડો કરી જગદીશ ઉર્ફે પોપટ મફાજી વાઘેલાને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયરના ટીન ૨૮ જેની કિમત રૂ. ૩૩૬૦નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ જથ્થો ક્યાંથી લવાયો હતો તે જાણવા માટે તપાસ શરુ કરવામાં આવી છે.