ગુજરાત બોર્ડની 10 અને 12ની ઉત્તરવહી મૂલ્યાંકનમાં ગેરરીતિ બદલ છેલ્લા બે વર્ષમાં ગુજરાતના 9218 શિક્ષકો પાસેથી રૂ. 1.54 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો
ગુજરાત બોર્ડની 10 અને 12ની ઉત્તરવહી મૂલ્યાંકનમાં ગેરરીતિ બદલ છેલ્લા બે વર્ષમાં ગુજરાતના 9218 શિક્ષકો પાસેથી રૂ. 1.54 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગુજરાતના આ શિક્ષકો દ્વારા ધોરણ 10 અને 12 ની ઉત્તરવહીમાં કુલ માર્કસનો સરવાળો કરવામાં ભૂલ જોવા મળી હતી. બોર્ડના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરનારા શિક્ષકો પોતે ગણિતમાં એટલા નબળા સાબિત થયા કે ગુજરાત સરકારે આવા શિક્ષકોને રૂ. 1.54 કરોડનો દંડ કરવો પડ્યો.
માર્ચ 2022માં ભૂલ કરનાર શિક્ષકો પાસેથી દંડ વસૂલવાનો બાકી
આખું વર્ષ મહેનત કર્યા પછી વિદ્યાર્થીઓ પરીક્ષામાં એ વિશ્વાસ સાથે બેસે છે કે જ્યારે તેમની ઉત્તરવહી તપાસવામાં આવશે ત્યારે તેમને સાચા માર્કસ આપવામાં આવશે અને તેમના પરિણામમાં કોઈ ગેરરીતિ નહીં આવે, પરંતુ શિક્ષકોના આ રીતે વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં આવેલી સરવાળાની ભૂલ વિચારવા પર મજબૂર કરે છે.
માર્ચ 2022 ની બોર્ડ પરીક્ષામાં ભૂલ કરનાર શિક્ષકો પાસેથી બાકી દંડ વસૂલવા માટે, રાજ્યના શિક્ષણ વિભાગે તેમના શાળા મેનેજમેન્ટ અને સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમનો સંપર્ક કર્યો છે.
MLAના પ્રશ્ન દ્વારા મામલો સામે આવ્યો
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, ધોરણ 10 અને 12 ની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ભૂલ કરનારા શિક્ષકોની સંખ્યા કેટલી છે? તેને કેટલો દંડ થયો? કેટલા શિક્ષકોએ દંડ ભર્યો? શિક્ષકોએ દંડ ન ભર્યો તો સરકારે શું પગલાં લીધાં? જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષમાં 9218 શિક્ષકોએ ઉત્તરવહીમાં કુલ માર્ક્સ ગણવામાં ભૂલો કરી હતી, જેના માટે રાજ્ય સરકાર દ્વારા તેમની પાસેથી 1,54,41,203 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આટલા શિક્ષકોએ ભૂલ કરી
ખાસ છે કે ,ધો. 10ના 787 અને 12ના 1870 એટલે કે કુલ 2657 શિક્ષકોએ હજુ સુધી 50.97 લાખનો દંડ ભર્યો નથી. શિક્ષણ વિભાગ દ્વારા આ તમામ શિક્ષકોને નોટિસો પણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે સરકારે હવે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા વેરિફાયરની નિમણૂક કરી છે. જો કે, અહીં એક ગંભીર પ્રશ્ન એ ઊભો થાય છે કે, જે શિક્ષકો ઉત્તરવહીના કુલ મૂલ્યાંકનમાં ભૂલો કરતા હોય તેઓ વિદ્યાર્થીઓને શું ભણાવતા હશે?