બોગસ કાંડ: મુન્નાભાઈ MBBSને ટક્કર મારે તેવો કેસ,
બોગસ કાંડ:બોગસ માર્કશીટના આધારે ડૉક્ટર બન્યો, 43 વર્ષ બાદ પકડાયો
કોર્ટે ત્રણ વર્ષની સજા અને 10 હજાર રૂપિયા દંડ ફટકાર્યો
Ahmedabad Fake Doctor news | બોલીવુડની મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મને પણ ટક્કર મારે તેવો કેસ અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં ચાલી ગયો. 17 વર્ષની ઉમંરે બોગસ માર્કશીટના આધારે વિદ્યાર્થીએ મેડિકલમાં પ્રવેશ મેળવી લીધો અને ડોકટર પણ બની ગયો. એટલું જ નહીં, આખી જીંદગી ડોકટર તરીકે પ્રેક્ટિસ પણ કરી અને આજે આ આરોપી ડોક્ટર 60 વર્ષનો થયો ત્યારે બનાવના 43 વર્ષ બાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પવનકુમાર એમ.નવીને આખરે ત્રણ વર્ષની સજા અને દસ હજાર રૂપિયા દંડ દાખલારૂપ ચુકાદા મારફતે આરોપી ઉત્પલ અંબુકુમાર પટેલને ફટકારતો મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં આરોપી ડોકટરના ગુનાહિત કૃત્યને લઈ બહુ ગંભીર અવલોકનો અને નિરીક્ષણો પણ કર્યા હતા.
મામલો શું હતો અને કેવી રીતે સામે આવ્યો?
ચકચારભર્યા અને કંઇક રસપ્રદ એવા આ કેસમાં રાજ્ય સરકાર તરફથી અધિક સરકારી વકીલ પી.વી.પ્રજાપતિએ ટ્રાયલ દરમિયાન આરોપી ડૉક્ટરને મહત્તમ સજા કરવા દલીલો કરતાં જણાવ્યું કે શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને સીએમ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં આરોપી ઉત્પલ અંબુકુમાર પટેલ 17 વર્ષની વયે ધો. 12 સાયન્સમાં 800માંથી 398 માર્ક્સ સાથે 49 ટકાએ પાસ થયો હતો. જેના લીધે તેને કોઈપણ ભોગે MBBSમાં એડમિશન મેળવવું શક્ય નહોતું. જોકે તેણે ગમે તે રીતે એડમિશન મેળવવા માટે 800માંથી 547 માર્ક્સ મેળવવાની સાથે 68 ટકાવાળી નકલી માર્કશીટ તૈયાર કરી 28 જુલાઈ 1980ના રોજ ગેરકાયદે રીતે બી.જે.મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. પછી આ સમગ્ર કૌભાંડ સામે આવતા તપાસ બાદ નોટિસ જાહેર કરાઈ. જેના બાદ 7 જુલાઈ 1991માં જ તેની સામે શાહીબાગ પોલીસ સ્ટેશને કેસ દાખલ કરાયો.
સરકારે કોર્ટમાં શું કહ્યું?
સરકાર પક્ષ તરફથી કોર્ટને ભારપૂર્વક જણાવાયું કે આરોપી ડૉક્ટરે બનાવટી માર્કશીટના આધારે મેડિકલમાં પ્રવેશ મેળવ્યો અને ખોટી રીતે ડૉક્ટરની પદવી મેળવી આખી જીંદગી મેડિકલ પ્રેક્ટિસ કરી છે. હાલમાં પણ આરોપી મેડિકલ પ્રેક્ટિશનર તરીકે ચાલુ છે. આરોપીના આ ગંભીર ગુનાઈત કૃત્યને લીધે અન્ય આશાસપદ અને મેડિકલમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થિઓની બેઠકો છીનવાઈ ગઇ અને બીજા કોઈ કારકિર્દી પર તરાપ વાગી છે. સરકારની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી ડૉક્ટર ઉત્પલ અંબુકુમાર પટેલને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
કોર્ટે શું કહ્યું આ મામલે
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પવન કુમાર એન.નવીને ચુકાદમાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે આરોપીએ ધો. 12ની પરીક્ષામાં માત્ર 48 ટકા માર્ક્સ મેળવયા હતા પરંતુ પાછળથી તેણે કોઈ રીતે ગુજરાત માધ્યમિક શિક્ષક બોર્ડની કચેરીમાંથી કોરા લેટર હેડ અને કોરી માર્કશીટ મેળવી લઈ તેમાં માર્ક્સ વધારી 68 ટકા કરી દીધા હતા. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ જો આ પ્રકારનું આચરણ કરે તો સમાજના અન્ય લોકો પણ આવો ગુનો કરવા પ્રેરાય. અદાલતની ફરજ છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રોકે.