બોગસ દસ્તાવેજોના આધારે બોગસ પેઢી ઉભી કરી રૂ.30 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર આઠ પેઢી વિરુદ્ધ ફરિયાદી બાદ બોગસ બિલીંગના હબ ગણાતા ભાવનગરથી એકાઉન્ટન્ટ મહમમ્દરઝા ગભરાણીની ધરપકડ કરાઈ છે
સુરત : બોગસ દસ્તાવેજોના આધારે બોગસ પેઢી ઉભી કરી રૂ.30 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર આઠ પેઢી વિરુદ્ધ ફરિયાદી બાદ બોગસ બિલીંગના હબ ગણાતા ભાવનગરથી એકાઉન્ટન્ટ મહમમ્દરઝા ગભરાણીની ધરપકડ કરાઈ છે.
તેણે મૂળ ભાવનગરના અને હાલ અમદાવાદ રહેતા ઈમરાન ડાયમંડના ઈશારે બોગસ બિલ બનાવ્યા હતા.પ્રાથમિક તપાસમાં 45 પેઢી બનાવી રૂ.500 કરોડના બિલો બનાવ્યાની મહમમ્દરઝાએ કબૂલાત કરતા ઈકો સેલે તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ બોગસ દસ્તાવેજોના આધારે બોગસ પેઢી ઉભી કરી રૂ.30 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર આઠ પેઢી વિરુદ્ધ પહેલી વખત સેન્ટ્રલ જીએસટી વિભાગે જાતે ફરિયાદી બની ગતરોજ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તપાસ ઈકો સેલને સોંપાઈ હતી.
ઈકો સેલે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી બોગસ બિલીંગના હબ ગણાતા ભાવનગરથી બોગસ બિલો બનાવનાર એકાઉન્ટન્ટ મહમમ્દરઝા વજીરઅલી ગભરાણી ( ઉ.વ.41, રહે.ફ્લેટ નં.ડી/105, અલમહેંદી પાર્ક, વજીર શેરી, ભાવનગર ) ની ગતરોજ ધરપકડ કરી હતી.
ઈકો સેલે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે જીએસટી પેઢીઓના આઈડી-પાસવર્ડ મેળવી જાતે બદલી નાંખી નવા જનરેટ કરતો હતો.બાદમાં જીએસટી વિભાગ જે ઓટીપી આપે તે મેળવવા પેઢીમાં પોતાનો ડમી મોબાઈલ નંબર અને નવો મેઈલ આઈડી જનરેટ કરી બોગસ પેઢીઓના નામે બોગસ બિલો બનાવી પોતાના મળતીયાઓ અને વેપારીઓને વ્હોટ્સએપથી મોકલતો હતો.
પ્રાથમિક તપાસમાં 45 પેઢી બનાવી રૂ.500 કરોડના બિલો બનાવ્યાની મહમમ્દરઝાએ કબૂલાત કરતા ઈકો સેલે તેના ચાર દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે મૂળ ભાવનગરના અને હાલ અમદાવાદમાં રહેતા ઈમરાન ડાયમંડના ઈશારે તેણે બોગસ બિલ બનાવ્યા હતા અને ઈમરાન તેને રૂ.25 હજાર પગાર ચુક્વતો હતો.
જે 45 પેઢીની તેણે કબૂલાત કરી છે તેમાં મોટાભાગની ઈમરાનની પેઢીઓ છે.જયારે વર્ષ અગાઉ મુંબઈના સુલતાને પણ પોતાની ચારથી પાંચ બોગસ પેઢીનું કામ તેને સોંપ્યું હતું. સુલતાનની પેઢીઓના કામ અંગે ઈમરાન અજાણ હોવાનું જાણવા મળ્યું છે.વધુ તપાસ પીઆઈ એન.જી.ચૌધરી કરી રહ્યા છે.
પત્નીએ ડોનેટ કરેલી એક કિડની પર જીવતા મહમમ્દરઝાની ઈમરાન સાથે મુલાકાત મામાએ કરાવી હતી
બોગસ દસ્તાવેજોથી 8 પેઢી બનાવી રૂ.30 કરોડની ક્રેડિટ ઉસેટવાના કૌભાંડમાં ઝડપાયેલા ભાવનગરના એકાઉન્ટન્ટ મહમમ્દરઝાની બંને કિડની ફેઈલ થતા પત્નીએ પોતાની કિડની આપી તેનો જીવ બચાવ્યો હતો.
જોકે, ત્યાર બાદ તે બહાર કામ કરવા અસમર્થ બન્યો હતો.વર્ષ 2020 માં તેના મામાએ તેની મુલાકાત ઈમરાન ડાયમંડ સાથે કરાવી હતી. ટેલી પ્રોગ્રામના જાણકાર મહમમ્દરઝાને ઈમરાને ઘર બેઠા બોગસ બિલ બનાવવાનું કામ સોંપી તેને લેપટોપ, મોબાઈલ આપ્યા હતા.શરૂઆતમાં ઈમરાન તેને રૂ.10 હજાર પગાર આપતો હતો.