વડોદરાઃ હરણી લેકઝોનની બોટ દુર્ઘટનામાં વડોદરા પોલીસે વધુ એક મોટા માથાંને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. કોર્પોરેશનના પૂર્વ ટાઉનપ્લાનર આખરે છત્તીસગઢથી ઝડપાતાં તેને વડોદરા લવાઇ રહ્યો છે.
વડોદરાઃ હરણી લેકઝોનની બોટ દુર્ઘટનામાં વડોદરા પોલીસે વધુ એક મોટા માથાંને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસથી બચવા માટે ધમપછાડા કરતો કોર્પોરેશનના પૂર્વ ટાઉનપ્લાનર આખરે છત્તીસગઢથી ઝડપાતાં તેને વડોદરા લવાઇ રહ્યો છે.
હરણી તળાવમાં ન્યુ સનરાઇઝ સ્કૂલના પિકનિક પર ગયેલા બાળકોની બોટ પલટી જતાં ૧૨ બાળકો,એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝર મળી કુલ ૧૪ નિર્દોષોના મોત નીપજ્યાં હતા. જે ગુનામાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે તટસ્થ તપાસ થાય તે માટે અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા અને ડીસીપી ઝોન-૪ પન્ના મોમાયાના સહિતના સાત અધિકારીઓની સિટ બનાવી છે.
પોલીસની ટીમોએ અત્યાર સુધીમાં કુલ ૧૯ આરોપીઓમાંથી સાત જણાની ધરપકડ કરી હતી. જ્યારે આજે કોર્પોરેશનનો પૂર્વ ટાઉનપ્લાનર ગોપાલદાસ શાહ પકડાઇ જતાં અત્યાર સુધી પકડાયેલા આરોપીઓની સંખ્યા ૮ ઉપર પહોંચી છે.
કોર્પોરેશનનો પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલદાસ શાહ પોલીસથી બચવા માટે સતત ભાગતો હતો. તે છત્તીસગઢના રાયપુર ખાતે છુપાયો હોઇ પોલીસની ટીમ તેનું પગેરૃં શોધતી રાયપુર પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ લઇ ગોપાલ શાહને દબોચી લીધો હતો.પોલીસ તેને લઇ વડોદરા રવાના થઇ છે. મધરાત બાદ તે વડોદરા પહોંચે તેવી શક્યતા છે.
પરેશ શાહ અને પૂર્વ ટાઉનપ્લાનર ગોપાલ શાહ બંને સાઢુ છે
હરણી લેકઝોનનો વહીવટ અંદરોઅંદર વહેચી લેવામાં આવ્યો હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવી રહી છે.જ્યારે ફરાર થઇ ગયેલો મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો હરણી-સમા લિન્ક રોડ પર બીજો પણ પેટ્રોલપંપ તૈયાર થઇ રહ્યો હોવાની માહિતી ચર્ચામાં છે.
ઉપરોક્ત બનાવમાં તમામ વહીવટ સંભાળતો અને રાજકીય પીઠબળ ધરાવતો પરેશ શાહ અને નિલેશ જૈન હજી હાથમાં આવ્યા નથી.જ્યારે પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહ આજે છત્તીસગઢના રાયપુરથી ઝડપાઇ ગયો છે.
લેકઝોનમાં અંદરોઅંદર વહીવટ કરી લેવામાં આવ્યો હોવાની વિગતો ખૂલી છે.પ્રાથમિક વિગતો મુજબ,ફરાર થઇ ગયેલો માસ્ટરમાઇન્ડ પરેશ શાહ અને પકડાયેલો ગોપાલ શાહ બંને સાઢુ ભાઇ થાય છે.જેથી તેમનું રોકાણ અને ભાગબટાઇની વિગતો તપાસમાં આવી રહી છે.આ ઉપરાંત પરેશ શાહના પેટ્રોલપંપના વહીવટમાં સામેલ ભાગીદારોની પણ પોલીસ વિગતો તપાસી રહી છે.
માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો દ્વારા બોટ અને જેટીની ક્ષમતાની તપાસ
હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાના બનાવમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બોટ અને જેટીનો ટેકનિકલ સર્વે કરવામાં આવ્યો હતો.
ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે, બોટકાંડના આરોપીઓને દાખલારૃપ સજા થાય તે માટે સિટ દ્વારા જુદાજુદા પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ફોરેન્સિક નિષ્ણાંતોનો પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
આ બનાવમાં બોટની ક્ષમતા,યાંત્રિક સ્થિતિ,જેટીની સ્થિતિ,તરાપાઓની સ્ટેબિલિટી સહિતની તપાસ માટે માર્ગ અને મકાન વિભાગની મદદ લેવામાં આવી હતી. વિભાગના મિકેનિકલ અને સિવિલ નિષ્ણાંતોએ ચકાસણી કરી હતી. ટૂંક સમયમાં તેઓ રિપોર્ટ સુપરત કરશે.