નડિયાદના પીપલગ ભાથીજી મંદિર સામેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટેમ્પામાં રૂ.૨.૮૧ લાખનો વિદેશી દારૂ ભરીને ઉભેલા એક શખ્સને ઝડપી પાડયો હતો
નડિયાદના પીપલગ ભાથીજી મંદિર સામેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટેમ્પામાં રૂ.૨.૮૧ લાખનો વિદેશી દારૂ ભરીને ઉભેલા એક શખ્સને ઝડપી પાડયો હતો. જેની પુછપરછમાં ત્રણ શખ્સોએ તેને દારૂ ભરી આપ્યો હોવાનું અને આ કામ માટે તેને ૧ હજાર રૂપિયા આપવાના હોવાનું કબુલ્યું હતું. એસએમસીએ ચાર શખ્સો વિરૂદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નડિયાદના પીપલગ પાસે બુટલેગર એક છોટાહાથીમાં દારૂ ભરીને જઈ રહ્યો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. જેના આધારે એસએમસીની ટીમે પીપલગના ભાથીજી મંદિરની સામે બાતમી મુજબનો છોટાહાથી દેખાતા તેની તપાસ કરી હતી. દરમિયાન એક શખ્સ એસએમસીની ટીમને જોઈને ભાગવા જતાં તેને ઝડપી પાડયો હતો.
એસએમસીએ તેની પુછપરછ કરતા તે મિતુલ ઉર્ફે સંજય નટુભાઈ પરમાર (ઉં.વ.૨૨, રહે. ઈન્દિરાનગર, પીપલગ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે છોટાહાથીની તપાસ કરતા તેમાં મોટાપ્રમાણમાં ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ હોવાનું જણાયું હતું. જેથી એસએમસીએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે આ મુદ્દામાલ લઈ જઈ તપાસ કરતા વિદેશી દારૂની કુલ ૯૧૨ બોટલો મળી આવી હતી.
જેની કુલ કિંમત રૂ.૨,૮૧,૧૧૨ ગણી પોલીસે તેની સાથે છોટાહાથી, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૪.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સની વધુ પુછપરછ કરતા આ મુદ્દામાલ અશોક ઉર્ફે ટીનો પ્રતાપભાઈ મહીડા (રહે. નડિયાદ), ગીરીશ શંકરલાલ પ્રજાપતિ (રહે. નડિયાદ) અને જાકીર અંસારી (રહે. પીપલગ) ત્રણેય બુટલેગરોએ ભરી આપ્યો હતો અને તે ફોનમાં જે રીતે દારૂ ઉતારવા મોકલે તે રીતે લઈને પહોંચવા જણાવ્યું હોવાની કબુલાત કરી હતી.
તેમજ આ કામ માટે ત્રણેય શખ્સો મિતુલને રૂ.૧,૦૦૦ આપવાનું નક્કી કર્યું હોવાનું અને તે બુટલેગરો આગળની માહિતી આપે તેની રાહ જોઈને ઉભો હોવાની કબુલાત કરી હતી. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલા શખ્સ અને દારૂ ભરી આપનારા ત્રણ શખ્સો સહિત ચાર શખ્સો વિરૂદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.