બોલો! ચોરોને 15000 પગારે ‘નોકરી’ આપતી ગેંગનું થયું ભાંડાફોડ, પોલીસ પણ ચોંકી, આ રીતે પકડાઈ
પોલીસે ગેંગનાં 8 લોકોની ધરપકડ કરી, તેમની પાસેથી 22 મોબાઈલ ફોન, 25 સિમ કાર્ડ, 20 મેમરી ચિપ્સ અને 1.3 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા, 20 લાખના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન પણ પકડાયા
Odisha Thief news | કોઈ તમને પૂછે કે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચોરોને નોકરી આપવામાં આવે છે? તેમને માસિક પગાર ચૂકવાય છે? તો તમે જ ના પાડશો. પરંતુ તમને વિશ્વાસ નહીં થાય કે આવો જ એક કિસ્સો ઓડિશામાં સામે આવ્યો છે. ઓડિશા પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. ભુવનેશ્વર પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમે આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ એક આંતરરાજ્ય સંગઠન હતું, જે દેશના વિવિધ રાજ્યોમાં સક્રિય હતું. આ ટોળકી મોબાઈલ ફોન ચોરી કરવાની સાથે ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેતી હતી.
આ રીતે ચોરી કરતા
ભુવનેશ્વરના પોલીસ કમિશનર પ્રતીક સિંહે કહ્યું કે આ ટોળકી ખૂબ જ પ્રોફેશનલ રીતે ચોરી કરતી હતી. તેને પહાડી ગેંગના નામે ઓળખવામાં આવતી હતી. આ લોકોએ પ્રોફેશનલ ચોરોને કામે રાખ્યા અને તેમને પોતાના કર્મચારી બનાવ્યા. જેમને કામના આધારે 10 હજારથી લઈને 15 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવતો હતો. સૌપ્રથમ તો આ ટોળકી તેના સભ્યો દ્વારા જાહેર સ્થળોએ કૃત્રિમ ભીડ ઊભી કરતી હતી, જેથી તેઓ જ્યાં ઘટનાને અંજામ આપવાનો હોય તે વિસ્તાર જાણે કે ખૂબ જ ભીડભાડવાળી જગ્યા હોય તેવું દેખાડતા હતા.
લોકોને આ ભીડ પર શંકા પણ થતી ન હતી. ત્યારપછી તેમના પ્રોફેશનલ ચોર ભીડમાં ભળી જતા અને ધીમે ધીમે લોકોના ખિસ્સા અને પર્સમાંથી ફોન કાઢી લેતા. તમામ ચોર ચોરીના મોબાઈલ તેમના ચીફને આપી દેતા હતા. ગેંગનો લીડર અન્ય સભ્યો દ્વારા મોબાઈલમાં સિમ કાર્ડનો ઉપયોગ કરીને પીડિતના ખાતામાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી લેતો હતો.
ફરિયાદ બાદ મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો
સિંહે વધુમાં કહ્યું કે સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતોમાંથી એક કેપિટલ પોલીસ સ્ટેશન પહોંચ્યો. અહીં પીડિતે મોબાઈલની ચોરી અને ખાતામાંથી પૈસા ઉપાડવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું કે કોઈએ ઓનલાઈન છેતરપિંડી કરીને તેના ખાતામાંથી 14 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ ફરિયાદ બાદ પોલીસ વિભાગ સતર્ક બની ગયું હતું. આ મામલો અમારા ધ્યાનમાં આવતાં જ અમે ગેંગ અને તેની સાથે સંકળાયેલા સભ્યો પર નજર રાખવાનું શરૂ કર્યું.
આરોપી સુધી પહોંચવું ખૂબ જ પડકારજનક હતું
ભુવનેશ્વરના કમિશનરનું કહેવું છે કે ગેંગનો પર્દાફાશ કરવો એ સૌથી પડકારજનક કામ હતું. ગેંગના સભ્યો હંમેશા તેમની જગ્યાઓ બદલતા હતા. આ ગેંગ ભારતના અનેક રાજ્યોમાં સક્રિય હતી. એકલા ભુવનેશ્વરમાં નવ કેસ નોંધાયા હતા. આ ટોળકીને પકડવા પોલીસ વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. આખરે અમે ટોળકી સુધી પહોંચ્યા અને તેમની પાસેથી 22 મોબાઈલ ફોન, 25 સિમ કાર્ડ, 20 મેમરી ચિપ્સ અને 1.3 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા. તપાસ દરમિયાન 20 લાખ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારો પણ બહાર આવ્યા હતા. હાલમાં આ ગેંગના આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય સભ્યોની શોધખોળ ચાલુ છે અને દરોડા પાડવામાં આવી રહ્યા છે.