ધોલેરા ખાતે વર્ષોથી નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે પ્રજાની માંગ છતાં એસટીના વિભાગીય નિયામક બેધ્યાન કેમ?
અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અર્થે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું જે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. હાલમાં બસ સ્ટેન્ડ ખંડેર હોવાથી મુસાફરો પણ તેનો ઉપયોગ કરતા નથી. અને આ બસ સ્ટેન્ડની અંદર ભારે ગંદકી તથા આજુબાજુમાં ગાંડા બાવળોનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. જેને વહેલી તકે મરામત કરાવવી ખૂબ જરૂરી હોય અને પ્રજાને ઉપયોગી થઈ પડે તેમ હોય જેથી વહેલી તકે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ ઉઠી છે.

બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં
ધોલેરા તથા આસપાસના વિસ્તારમાં અગાઉના સમયમાં બનાવવામાં આવેલું બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. છત ઉપરના પોપડા અને સ્લેબ પણ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે જેથી મુસાફરો અંદર ઉભા રહેતા ડર અનુભવે છે. બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સુવિધાના ભાગ રૂપે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. ચોમાસા તથા ઉનાળામાં મુસાફરોને રાહત મળે અને મુસાફરી અર્થે બસની રાહ જોઇને બેસવુ પડે જે અર્થે આ એક ઉપયોગી જગ્યા છે.
પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
પરંતુ જે જર્જરિત બનતા પ્રજાને હાલાકી પણ ભોગવવી પડી રહી છે. ધોલેરા હાલ વિશ્વભરમાં નામના મેળવી રહ્યું છે અને અહીં મોટી મોટી કંપનીઓ પણ બની રહી છે એટલુ જ નહીં હાલમાં તાલુકા પંચાયત, મામલતદાર, પોલીસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ સહિતની કચેરીઓ પણ નવ નિર્માણ પામીને ધમધમી રહી છે માત્ર અહીં સુવિધાયુક્ત એસટી બસ સ્ટેશનનો અભાવ જણાય છે. હાલમા ધોલેરા ખાતે સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે તેથી દરરોજ મોટી સંખ્યામાં લોકો આવન જાવન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુવિધા અર્થે આંધળો ખર્ચ કરે છે.
પરંતુ એસટી તંત્રના જવાબદાર અધિકારી વિભાગીય નિયામકના પેટનું પાણી પણ હલતું નથી તેથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્ય આ અંગે ધ્યાન આપી નવીન બસ સ્ટેન્ડ પાછળ ગ્રાન્ટ ની ફાળવણી કરે તેવી માંગ પ્રજા માંથી ઉઠવા પામી છે.