દિલ્હી એરપોર્ટ પર વડોદરાના 100થી વધુ મુસાફરો અટવાયા, એરલાઈન્સે પાયલટ ન હોવાની વાત સ્વીકારી
ફ્લાઈટને રિશેડ્યુલ કરવામાં આવ્યા બાદ પણ ઉડાન ન ભરી
passengers of Vadodara stranded at Delhi Airport : દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલિટી ઘટી જાય છે ત્યારે અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અને કેટલીક ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવે છે તો કેટલીક ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવે છે.
આવા સમયે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આજે સૂત્રો દ્વારા મળતા સમાચાર મુજબ દિલ્હી એરપોર્ટ પર વડોદરાના કેટલાક મુસાફરો અટવાયા છે.
પહેલા વિઝિબલિટી ઓછી અને બાદમાં પાઈલોટ ન હોવાની વાત મળી
દેશની રાજધાની દિલ્હી એરપોર્ટ પર વડોદરાના 100થી વધુ મુસાફરો અટવાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ રિશિડ્યુલ કરતા અટવાયા છે. પહેલા વિઝિબિલિટી અને બાદમાં પાયલોટ નહીં હોવાની વાત મળી રહી છે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય 4.35 વાગ્યે ઉડાન ભરવાની હતી જેને 7.50ના સમય પર રિશેડ્યુલ કરવામાં આવ્યા બાદ પણ ઉડાન ભરી ન હતી.
આ દરમિયાન મુસાફરોએ અનેક વખત રજૂઆત કરતા ગોળમટોળ જવાબ આપવામાં આવતા હતા જેનાથી મુસાફરો ખૂબ જ પરેશાન થઈ જતા એરપોર્ટ પર ભારે હોબાળો કરતા છેવટે એરલાઈન્સે પાયલોટ ન હોવાની વાત સ્વીકારી હતી.