દારૂના ત્રણ મોટા કેસમાં બુટલેગરો પકડાતા નથી ત્યારે 36 લાખના દારૂનો આરોપી સમા પોલીસ સ્ટેશનમાંથી ફરાર
વડોદરામાં પંદર દિવસમાં દારૂના ત્રણ મોટા કેસમાં માથાભારે બુટલેગરો હજી પકડાતા નથી ત્યારે રૂ.૩૬ લાખના દારૂના કેસમાં પકડાયેલો આરોપી સમા પોલીસ સ્ટેશનમાંથી એએસઆઇને ધક્કો મારીને ફરાર થઇ જતાં તેને શોધવા માટે નાકાબંધી કરવામાં આવી છે.

વડોદરા પોલીસની પીસીબીએ ગઇ તા.૧૭નીએ ગોલ્ડન ચોકડી પાસે હાઇવે પર ન્યુ બાબાદેવ હોટલ પાસેના પાર્કિંગમાંથી રાજસ્થાનથી દારૂ લાવેલી ટ્રકને ઝડપી પાડી હતી. જેમાંથી કુલ રૂ.૨૬ લાખની કિંમતની દારૂની ૧૪૦૪૦ નંગ બોટલો તેમજ રૂ.૧૦ લાખની ટ્રક મળી રૂ.૩૬ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર રાજુલાલ કાલુ જાટ (સોપુરા ગામ, અકોલા સોપુરા,સવાઇપુર,ભીલવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.
પોલીસ કમિશનરે આ ગુનાની તપાસ સમા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી રાઠોડને સોંપતા તેમણે આરોપીને તા.૨૨ સુધીના રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી હતી.આજે રિમાન્ડ પુરા થવાના હતા તે પહેલાં જ ગઇરાતે સાડા ત્રણેક વાગે રાજુલાલે પોલીસ લોકઅપમાં ઉબકા-ઉલટી અને ગભરામણનું નાટક કર્યું હતું.
જેથી પોલીસ સ્ટેશન ઓફિસર એએસઆઇ ગોપાલ મોહનભાઇએ તેને લોકઅપમાંથી બહાર કાઢ્યો હતો.પરંતુ જેવો બહાર કાઢ્યો તે સાથે જ તે ધક્કો મારીને ભાગી છૂટયો હતો.સમા પોલીસ સ્ટેશનની ટીમે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી નાકાબંધી કરાવી શોધખોળ હાથ ધરી છે.

ભાગી રહેલા આરોપી અને પોલીસ વચ્ચે 38 સેકન્ડનું અંતર હતું
સમા પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયેલા આરોપી અને પોલીસ વચ્ચે ૩૮ સેકન્ડનું અંતર રહ્યું હતું.
સમા પોલીસ સ્ટેશનમાંથી રાતે ૩.૩૦ વાગે દારૂના કેસનો આરોપી ફરાર થઇ જવાના બનાવમાં ઉચ્ચ અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ તપાસતાં આરોપી દોડીને શાકમાર્કેટ તરફ જતો દેખાયો હતો.
ત્યારબાદ એએસઆઇ મોહનભાઇ ૩૮ સેકન્ડ બાદ બાઇક લઇને તેની પાછળ ગયા હતા.પરંતુ અંધારામાં દિશા ચૂકી જતાં આરોપી ફાવી ગયો હતો.જેથી પોલીસે તેને જાણીબૂઝીને ભગાડયો છે કે કેમ તે મુદ્દે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
દારૂનો સપ્લાયર ભેરૃલાલ અને ટ્રક આપનાર અલ્ફાઝ વોન્ટેડ
રૂ.૩૬ લાખ દારૂના કેસમાં સમા પોલીસ દારૂના સપ્લાયર ભેરૂલાલ અને ટ્રક આપનાર અલ્ફાજને પોલીસ શોધી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ,દારૂની ટ્રક સાથે પકડાયેલા આરોપી રાજુલાલ જાટની પૂછપરછ કરતાં તે ભેરૂલાલ સૂરજમલ જાટ (લખમનીયાસ,ભીલવાડા,રાજસ્થાન)ને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાની વિગતો ખૂલી હતી.
ભેરૂલાલે તેને જલંધરરોડ પર મોકલ્યો હતો અને અલ્ફાઝ ઝારીવાલા(લખમનીયાસ, ભીલવાડા) ટ્રક લોડ કરી આપશે તેમ કહ્યું હતું. જેથી લોડ કરેલી ટ્રક લઇ ભેરૂલાલના કહેવા મુજબ સવારથી ગોલ્ડન ચોકડી પાસે હોટલ નજીકના પાર્કિંગમાં બેઠો હતો. ભેરૂલાલે કહ્યું હતું કે,રાતે કોઇ પાર્ટી ટ્રક લેવા માટે આવશે.