પેટલાદ શહેર પોલીસની ટીમે રવિવારે રાત્રે પેટલાદના બસ મથક નજીકથી વિદેશી દારૂની ત્રણ પેટી લઈને પસાર થતા એક રિક્ષા ચાલકને ઝડપી પાડયો હતો.
પોલીસે વિદેશી દારૂ તથા રિક્ષા મળી કુલ રૂા.૮૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદ શહેર પોલીસની ટીમ રવિવારે નાઈટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પેટલાદના બસ સ્ટેન્ડ નજીકથી એક રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી થવા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ બસ સ્ટેશન નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
દરમિયાન એક સીએનજી રિક્ષા આવી ચઢતા પોલીસે શંકાને આધારે તેને અટકાવી હતી.
રિક્ષામાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની ત્રણ પેટીઓ મળી આવી હતી. જેની અંદાજિત કિં.રૂા.૧૪,૪૦૦ જેટલી થવા જાય છે. પોલીસે રિક્ષા ચાલકના નામ ઠામ અંગે પૂછતા તે મોહિત મહેશભાઈ પટેલ (રહે.જેસરવા) હોવાનું જણાવ્યું હતું.
તેની વધુ પૂછપરછ કરતા જેસરવા ગામના કિરણભાઈ ફતેસિંહ રાઠોડે આ વિદેશી દારૂનો જથ્થો રિક્ષામાં ભરાવીને પેટલાદના બસ સ્ટેન્ડ નજીક કોઈને ડિલીવરી આપવા માટે મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કિરણ રાઠોડને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.