ડ્રેનેજ સંબંધી સમસ્યા ઉકેલવા નેશનલ હાઈવે ઉપર બંને તરફના વિસ્તારમાં નવી ટ્રન્કલાઈન નંખાશે
નરોડા પાટીયા રેલવે ક્રોસિંગથી જશોદાબ્રિજ સુધી ૨૭૧ કરોડના ખર્ચે કામગીરી કરાશે
અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં ડ્રેનેજ સંબંધી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા નેશનલ હાઈવે ઉપર બંને તરફના વિસ્તારમાં નવી ટ્રન્કલાઈન નાંખવામાં આવશે.નરોડા પાટીયા રેલવે ક્રોસિંગથી જશોદાબ્રિજ સુધી ૧૨.૫ કિલોમીટર લંબાઈમાં અંદાજે રુપિયા ૨૭૧ કરોડના ખર્ચથી કામગીરી કરવામાં આવશે.
જશોદાબ્રિજ ચાર રસ્તાથી કોઝી હોટલ સુધી આશરે ૫.૫ કિલોમીટર લંબાઈમાં ૨૨૦૦ એમએમ ડાયામીટરની પાઈપલાઈન રુપિયા ૧૦૮ કરોડના ખર્ચથી નાંખવામાં આવી છે.હાલમાં કોઝી હોટલથી ૧૮૦ એમએલડી પીરાણા સુધી ડાઉનસ્ટ્રીમમાં અંદાજે ૨.૫ કિલોમીટર લંબાઈમાં ૨૨૦૦ એમએમ ડાયામીટરની પાઈપલાઈન નાંખવા માટેનુ ટેન્ડર મંજુર કરવાની કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવી છે.
નરોડા પાટીયા રેલવે ક્રોસિંગથી સોનીની ચાલી જંકશન થઈ જશોદાબ્રિજ સુધી અલગ અલગ ડાયામીટરની આશરે ૧૨.૫ કિલોમીટર વિસ્તારમાં રુપિયા ૨૭૧ કરોડના ખર્ચથી કામગીરી કરાવવા માટેનું ટેન્ડર મંજુરીની વિધીમાં છે.આ કામગીરી પુરી થયા બાદ નેશનલ હાઈવેની બંને બાજુએ આવેલા વિસ્તારોની ડ્રેનેજલાઈનોનુ કનેકશન માઈક્રોટનલીંગ વાળી પાઈપલાઈનમાં સીવેજનો ડિસ્ચાર્જ થવાથી આ વિસ્તારોમાં ડ્રેનેજઓવરફલો થવાની સમસ્યાનુ નિરાકરણ આવવાની સંભાવના છે.ઉપરાંત રીંગરોડ ઉપર આવેલી મેઈનલાઈનમાં સીવેઝફલોનુ ભારણ ઓછુ થશે.