ટ્રકની અડફેટમાં આવી જતાં બાઇક ચાલક યુવાનનું પ્રાણ પંખી ઉડી ગયું
ગાંધીનગર : અગાઉ થયેલા અકસ્માત સંબંધેના કોર્ટ કેસની મુદ્દતે જવા નીકળેલા યુવાનનું બાઇક ટ્રકની અડફેટમાં આવી જતાં ઇજા થવાના પગલે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અડાલજમાં હનુમાન ટેકરી પાસે અકસ્માત સર્જાવાના કારણે પુત્રને મોડુ થવાથી પિતાએ તેને મોબાઇલ ફોન કર્યો ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકે જ ફોન ઉપાડીને પિતાને તેના પુત્રને અકસ્માત નડયો હોવાની માહિતી આપી હતી.
અડાલજમાં હનુમાન ટેકરી પાસે મૃતક અગાઉના અકસ્માત સંબંધે કોર્ટની મુદ્દતે જતો હતો, મોડુ થતાં પિતાએ ફોન કર્યો ત્યારે ૧૦૮ના ચાલકે ફોન ઉપાડી સમાચાર આપ્યાં
અડાલજમાં જ શિવશક્તિનગર સોસાયટીમાં રહેતા આર્યન અશોકભઆઇ પ્રજાપતિ નામના ૨૦ વષય યુવાનનું અકસ્માતના આ બનાવમાં મૃત્યુ થયુ હતું. પોલીસ સુત્રોના જણાવવા પ્રમાણે સોમવારે સવારે આર્યન તેનું બાઇક લઇને ગાંધીનગર કોર્ટ પહોંચવા માટે નીકળ્યો હતો. જ્યાં અગાઉના અકસ્માતના બનાવ સંબંધમાં મુદત હતી અને આર્યનના રીક્ષા ચાલક પિતા વહેલા પહોંચીને તેની રાહ જોઇ રહ્યા હતાં.
દરમિયાન હનુમાન ટેકરી પાસે આર્યનના બાઇકને ટ્રક ચાલકો ઠોકર મારી દેતા તેના ઇજા પહોંચી હતી. તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન જ પિતા અશોકભાઇએ કેમ હજુ કોર્ટ પર પહોંચ્યો નથી, તેમ જાણવા ફોન કર્યો હતો. પરંતુ ફઓન ૧૦૮ના ચાલકે ઉપાડીને તેને બનાવથી માહિતગાર કરતાં તેઓ અન્ય સ્વજનોને સાથે લઇને હોસ્પિટલ પહોંચ્યા હતાં.
સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ આર્યનને ગંભીર હાલતમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ મોડી રાત્રે સારવાર દરમિયાન તેણે છેલ્લા શ્વાસ ભરી લીધા હતાં. અડાલજ પોલીસ દ્વારા આ બનાવ સંબંધમાં પોલીસ દ્વારા અશોકભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.