જેતપુરમાં સાવકા પિતાએ સગીર દીકરીને હવસનો શિકાર બનાવી, રાત્રે એકલતાનો લાભ લઈને સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું
રાજકોટના જેતપુરમાં પિતા-દીકરીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવી રહ્યો છે. સાવકા પિતાએ સગીર વયની દીકરીને રાત્રે એકલતાનો લાભ લઈને હવસનો શિકાર બનાવી હતી. આ મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપી પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
ડિવોર્સ બાદ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા
વિગતો મુજબ, જેતપુર શહેરમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના અગાઉ લગ્ન થયા હતા, જેમાં પહેલા પતિ થકી તેને સંતાનમાં એક દીકરી છે. પ્રથમ પતિ સાથે અણબનાવ થતા બંને અલગ થઈ ગયા હતા અને બાદમાં મહિલાએ અશોક નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મહિલા પોતાની દીકરી સાથે જેતપુરમાં રહેતી હતી.

કેવી રીતે સામે આવી પિતાની કાળી કરતૂત?
ત્યારે સાવકા પિતાએ રાત્રે એકલતાનો લાભ લઈને સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ પુત્રી ગુમસુમ રહેવા લાગી હતી અને પોતાની માતાને આ અંગે વાત કરી હતી. પતિની હકીકત જાણીને માતા પણ ચોંકી ગઈ હતી. માતાએ પતિને આ અંગે જાણ કરતા તેણે બંને મા-દીકરીને ધમકાવ્યા હતા.
આથી મહિલા દીકરીને સાથે લઈને જેતપુર સિટી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ખાસ છે કે આરોપી પિતા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ મારામારી અને પ્રોહીબિશનનો ગુનો પણ અગાઉ નોંધાઈ ચૂક્યો છે. હાલમાં પોલીસે સાવકા પિતાની ધરપકડ કરીને જેલભેગો કરી દીધો છે.