ગુરુ-શિષ્યના સંબંધોને લજવતી ઘટના! 500 વિદ્યાર્થિનીઓનો પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ
Haryana Professor News | હરિયાણાના સિરસામાં આવેલી ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની લગભગ 500 છોકરીઓએ ત્યાંના પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેમણે રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજ્યપાલ અને મહિલા આયોગને પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે પ્રોફેસર તેમને પોતાની ચેમ્બરમાં બોલાવતો અને ઘૃણાસ્પદ કૃત્યોને અંજામ આપતો હતો.
દેવીલાલ યુનિવર્સિટીના પ્રોફેસર સામે ચોથી વખત પત્ર લખી કરી ફરિયાદ
મુખ્યમંત્રીને લખેલાં પત્રમાં શું કહ્યું
જાતીય સતામણીનો આરોપ : પત્રમાં દાવો કરાયો હતો કે તેમની સાથે છેલ્લાં ઘણા દિવસોથી આવું કૃત્ય થઈ રહ્યું છે. આ મામલે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. પીડિત યુવતીઓનો પત્ર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ધ્યાને આવતા જ લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
પ્રોફેસર વિરુદ્ધ ચોથી વખત ફરિયાદ
અહેવાલ અનુસાર આ ચોથી વખત છે જ્યારે યુવતીઓએ પ્રોફેસર વિરુદ્ધ પત્ર લખ્યો છે. આ પહેલા યુનિવર્સિટીની આંતરિક ફરિયાદ સમિતિએ આરોપીને બે વખત ક્લીનચીટ આપી હતી. એએસપી દીપ્તિ ગર્ગે કહ્યું કે, તે પ્રારંભિક તપાસ બાદ આ મામલે FIR દાખલ કરશે. પહેલા અમે પત્રમાં લાગેલા આરોપોની તપાસ કરીશું. આ સમયગાળા દરમિયાન જે કંઈ પણ સામે આવશે, તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આરોપી પ્રોફેસરે કહ્યું- મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે કારણ કે…
આરોપી પ્રોફેસરે તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્તા દાવો કર્યો કે આ બધું રાજકીય દબાણને કારણે થઈ રહ્યું છે. હું યુનિવર્સિટી સાથે જોડાયેલા કેટલાક કામમાં સક્રિય રહ્યો છું, તેથી જ મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. હું મારી સામેની દરેક તપાસનો સામનો કરવા તૈયાર છું. આ સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત આરોપ છે. રિપોર્ટ અનુસાર, આ મામલે પહેલો પત્ર છોકરીઓએ ગયા વર્ષે જૂનમાં લખ્યો હતો. આ પત્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મોકલવામાં આવ્યો હતો. જેના પર યુનિવર્સિટી દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા મળ્યા નથી.