ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી જયેશ રાદડિયાએ લેઉઆ પાટીદાર સમાજને ટકોર કરી હતી
જામકંડોરણા ખાતે લાડકી દીકરીઓનો સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી જયેશ રાદડિયાએ લેઉઆ પાટીદાર સમાજને ટકોર કરી હતી અને સમાજના આગેવાનોને મજબૂત નેતાને સ્વીકારવા માટે હાકલ કરી હતી, કોઈ માયકાંગલા નેતાને નહીં.
જામકંડોરણામાં સમુહ લગ્નનું આયોજન
જામકંડોરણા ખાતે યોજાયેલા 351 દીકરીઓના સમૂહ લગ્નમાં જયેશ રાદડીયાના ધારદાર ભાષણે વિઠ્ઠલ રાદડિયાની યાદ અપાવી હતી. જયેશ રાદડીયાએ પોતાના લેઉવા પટેલ સમાજને ઠપકો આપતા કહ્યું કે, સમાજની વાત આવી છે ત્યારે મે મારું રાજકારણ એક બાજુ રાખ્યું છે, સમાજના નામે રાજકારણ કરતા હોય એને પણ કહ્યું છે કે સમાજના નામે રાજકારણ રહેવા દેજો.
સમાજના વ્યક્તિ આગળ જતાં હોય તો એને સહકાર આપજો, સમાજનો કોઈ આગેવાન ઊભો થતો હોય, આગળ જતો હોય એને પાડી ના દે તો એ લેઉવા પટેલ સમાજ ન કહેવાય.
જયેશ રાદડિયાએ ઠાલવ્યો મનનો ઊભરો
તેમણે આગળ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પછી હજુ સુધી બીજો સરદાર સમાજને નથી મળ્યો એ સમાજની કમનસીબી કહેવાય. મજબૂત આગેવાન હોય એને સ્વીકારજો, માયકાંગલા હોય એને સ્વીકારતા નહીં. સમય હવે એવો આવ્યો છે કે સમાજને એક રહેવું પડશે. સમાજની કમનસીબી છે કે આટલા વર્ષો બાદ પણ આવડા મોટા સમાજને એક રહેવાની હાકલ કરવી પડે.
‘પાટીદાર સમાજનો હાથ પકડવાવાળું અત્યારે કોઈ નથી’
શા માટે સમાજ એક ન થાય? સમાજની અનેક મુશ્કેલીઓ છે જેમાંથી સમાજે બહાર નીકળવું પડશે. જો સમાજ સંગઠિત ન થયો તો આવનારા સમયમાં સમાજને બચાવનાર કોઈ નહિ હોય.
80%થી વધુ લેઉવા પાટીદાર સમાજ ગામડામાં રહે છે અને હજુ મુશ્કેલીમાં છે,જેનો હાથ પકડવા વાળું અત્યારેય કોઈ નથી, એ વાતનું દુઃખ સમાજને હોવું જોઈએ. સમાજની અંદર અમે ક્યારેય રાજકારણ નથી કર્યું, અમારો વિસ્તાર હોય કે ન હોય જરૂર હોય ત્યાં જામકંડોરણાના દરવાજા હંમેશા ખુલ્લા છે. મારે આવા કાર્યક્રમો કરવાની કંઈ જરૂર નથી, મારો વિસ્તાર મજબૂત છે.
કાર્યક્રમમાં રૂપાણી, મનસુખ માંડવીયા પણ હતા હાજર
જામકંડોરણા ખાતે ગત 2 ફેબ્રુઆરીએ 351 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, દિલીપ સંઘાણી, વિજય રૂપાણી, ભરત બોઘરા જેવા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત હતા. ત્યારે જયેશ રાદડીયાનો ઈશારો કોનાં તરફ હતો? તે ચર્ચાનો વિષય બન્યો છે.