શેખુપુર રોડ નજીક કેનાલ પર થેલીમાં શખ્સ દારૂ લઈ જતો હતો : કુલ 51 હજારનો મુદ્દામાલ જપ્ત
નડિયાદ : એલસીબી ખેડા પોલીસે ચકલાસીના રામપુરામાં વિદેશી દારૂની બોટલ નંગ ૬ કિંમત રૂ. ૨૮,૮૦૦ના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડયો હતો. જ્યારે લીંબાસી પોલીસે કેનાલ ઉપરથી વિદેશી દારૂની બોટલ નંગ ૭ તેમજ રોકડ મળી કુલ રૂ. ૨૨,૨૮૦ના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે પોલીસે જે તે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબી ખેડા પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલી કે ચકલાસી તાબેના રામપુરામાં રહેતો ચીમન ઈશ્વરભાઈ વાઘેલા ઘર આગળ ખાડો ખોદી વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ પાડતા ચીમનભાઈ વાઘેલા ઘરમાં મુકેલી વિદેશી દારૂની બોટલ નંગ ૬ કિંમત રૂપિયા ૨૮,૮૦૦ના જથ્થા સાથે ઝડપાયો હતો. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં લીંબાસી પોલીસે મળેલી બાતમી આધારે લીંબાસી શેખુપુર રોડ નજીક કેનાલ પર વોચ ગોઠવી હતી.
આ દરમ્યાન પ્લાસ્ટિકની થેલી લઈને જતા ઇસમને ઉભો રાખી પૂછપરછ કરતા મહોસીન મુસ્તફાભાઇ વ્હોરા રહે. ઇન્દિરા નગરીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આ ઇસમની અટક કરી તલાસી લેતાં તેની પાસેની થેલીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ સાત રૂ. ૩,૫૦૦ તેમજ અંગજડતીમાંથી રોકડ રૂ. ૧૮,૭૮૦ મળી કુલ રૂ. ૨૨,૨૮૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે પ્રોહી.હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.