ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા એટલે કે CAAને લઈને મોટી જાહેરાત કરી છે, તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપને 370 બેઠકો મળશે અને એનડીએને 400થી વધુ બેઠકો મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બનશે. શાહે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો પર કોઈ સસ્પેન્સ નથી અને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને પણ સમજાઈ ગયું છે કે તેઓએ ફરીથી વિપક્ષી બેન્ચ પર બેસવું પડશે.
અમિત શાહે કહ્યું, ‘અમે બંધારણની કલમ 370, જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો તે રદ્દ કરી દીધો છે. તેથી, અમારું માનવું છે કે દેશની જનતા ભાજપને 370 અને એનડીએને 400થી વધુ બેઠકો સાથે આશીર્વાદ આપશે.
CAA લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે
નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) અંગે શાહે કહ્યું કે કાયદો 2019માં પસાર થયો હતો. આ અંગેના નિયમો જારી કર્યા બાદ તેને લોકસભાની ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે. શાહે કહ્યું, ‘CAA દેશનો કાયદો છે, તેનું નોટિફિકેશન ચોક્કસપણે થશે. CAAને ચૂંટણી પહેલા લાગૂ કરવાની છે જેથી કોઈને પણ આમાં કોઈ મૂંઝવણ ન રહે.