વધુ એક AAPના નેતાએ રાજુનામું આપીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાલત એક સાંધે તેર તૂટે જેવી સ્થિતિ છે. આજે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા છે. આ સિલસિલામાં વધુ એક AAPના નેતાએ રાજુનામું આપીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત AAPને મોટો ઝટકો લાગ્યો છે. AAP માંથી રોહિત ભુવાએ એકાએક રાજુનામું આપી દીધું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર-જામકંડોરણાથી ઉમેદવારી નોંધાવી હતી. આજે રોહિત ભુવાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે.
AAP માંથી રોહિત ભુવાએ રાજીનામું કેમ આપ્યું તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે રોહિત ભુવાએ અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. રોહિત ભુવા પણ ભૂપત ભાયાણીની જેમ ભાજપમાં જોડાય તેવી શકયતા જોવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પૂર્વ આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના જેતપુર જામકંડોરણાના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર રોહિત ભુવાએ રાજીનામું આપ્યું હતું. બીજી બાજુ આવતી કાલે (રવિવાર) ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે. થોડા સમય પહેલા ભૂપત ભાયાણી બાદ ચિરાગ પટેલે પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે તેઓ પણ આવતીકાલે કેસરિયા કરવા જઈ રહ્યાં છે.