અમદાવાદમાં ગાઢ ધુમ્મસ અને પવનના સૂંસવાટાએ લોકોની હાલાકી વધારી
- બે દિવસથી પરોઢે છવાતા ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી
- એક્સપ્રેસ વે અને હાઇવે પર વાહનોની ગતી ઘટી, પવનના કારણે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાયો
અમદાવાદમાં શનિવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. વિઝિલિબીટી ખુબ જ ઓછી હોવાથી લોકોએ ઘરની બહાર પણ સાચવીને ચાલવાની ફરજ પડી હતી. ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો. બીજી તરફ આખો દિવસ ભારે પવનના સૂંસવાટા ચાલુ રહ્યા હતા. ધુળની ઉડતી ડમરીઓએ વાતાવરણને વધુ ધુંધળું બનાવી દીધું હતું.
અમદાવાદમાં આજે મહતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી જ્યારે લધુતમ તાપમાન ૧૯.૯ ડિગ્રી નોંધાયું હતું. ત્રણેક દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટયું છે. પરંતુ વાતાવરણમાં ઠંડક જળવાઇ રહી છે. શુક્રવારે અને શનિવારે સળંગ બે દિવસ વહેલી પરોઢે ધુમ્મસ છવાઇ ગઇ હતી. ઝાકળ પડતા ઠંડીની અસર વધી હતી.
રાત્રે પવનના સૂંસવાટા રહ્યા બાદ શનિવારે આખો દિવસ પવન ફૂંકાતો રહ્યો હતો. જેના કારણે શહેરીજનોએ સ્વેટર સહિતના ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડયા હતા. પૂર્વ અમદાવાદમાં અમદાવાદ-ઇન્દોર હાઇવે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, ચિલોડા-હિંમતનગર હાઇવે, અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર સવારે ગાઢ ધુમ્મસના કારણે વાહનોની ગતિ ધીમી રહી હતી.
પૂર્વ અમદાવાદમાં આજે દિવસદરમિયાન મુખ્ય રોડ પર વાહનોની ઓછી અવર-જવર જોવા મળી હતી. બજારોમાં પણ સામાન્ય દિવસ કરતા ઓછી ભીડ રહી હતી. પવનના કારણે લોકોએ કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળ્યું હતું.
વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે વાતાવરણમાં આ પ્રકારના ફેરફારો જોવા મળી રહ્યા છે. બીજી તરફ વાતાવરણની અસરને લઇને શહેરીજનો શરદી-ખાંસી અને તાવ સહિતના વિવિધ ઇન્ફેક્શનમાં સપડાઇ રહ્યા છે.
કૃષિ નિષ્ણાતોના મતે ભારે પવન ફૂંકાવાની સ્થિતિમાં રવી પાકમાં ઘઉંનું વાવેતર ઢળી પડવાના કારણે૧૦ ટકા જેટલું નુકશાન થવાની સંભાવના રહેલી છે. વરિયાળીમાં પણ આ સ્થિતિ સર્જાઇ શકે છે. હાલમાં ચાલી રહેલા પવનના સૂંસવાટાના કારણે બાગાયત પાકમાં પણ નુકશાન આવી શકે છે. આંબા પર કેરીના મૌર પડી જવાના કિસ્સામાં કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે.