– ફાઈનાન્સ કંપનીના મેનેજરની ફિલ્ડ ઓફિસ વિરૂદ્ધ ફરિયાદ
– ગ્રાહકોને લોન આપવાની ખોટી રજૂઆત કરી હપ્તાની પૂરી રકમ ફિલ્ડ ઓફિસર ચાઉં કરી ગયો
નડિયાદ : ખેડામાં આવેલી ફાઇનાન્સ કંપનીના ફિલ્ડ ઓફિસરે ૪૪ ગ્રાહકોને લોન આપવાની ખોટી રજૂઆત કરી ગ્રાહકોના ખાતામાં જમા થયેલા હપ્તાની પૂરેપૂરી રકમ રૂ.૧૧,૫૮,૪૯૮ પોતાના અંગત કામમાં વાપરી ઉચાપત કરી હતી. આ બનાવ અંગે ફાઇનાન્સ કંપનીના મેનેજરે ખેડા ટાઉન પોલીસમાં ફિલ્ડ ઓફિસર સામે ફરિયાદ નોંધાવી છે.
ખેડા મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઇ ચીમનભાઈ વાઘેલા (હાલ રહે. વડાલ તાબે હિંમતપુરા, કપડવંજ) નમ્ર ફાઇનાન્સ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ કંપનીના ૧૨ જેટલા ફિલ્ડ ઓફિસર જરૂરિયાતમંદ બહેનોને લોન ધિરાણ આપે છે. આ ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતા હરીશકુમાર જગાભાઈ માછી (રહે. નાળના મુવાડા, તા.લુણાવાડા) જરૂરિયાતમંદોને લોન અંગેની માહિતી આપવાનું તેમજ લોનના હપ્તા કલેક્શન કરી કંપનીમાં જમા કરવાની કામગીરી કરતા હતા. હરીશભાઈ માછી તા.૧૨/૯/૨૩થી ફાઈનાન્સમાં નોકરી પર આવેલા નથી કે ટેલિફોનથી સંપર્ક કરતા સંપર્ક થયેલો નથી.
જેથી આ ફિલ્ડ ઓફિસરના સ્થાને બીજા ફિલ્ડ ઓફિસરને મૂકવામાં આવતા આ વિસ્તારના ૪૪ ગ્રાહકોએ લોનના તમામ હપ્તા ચૂકવી દીધા હતા આમ છતાં ફિલ્ડ ઓફિસર હરીશભાઇએ કંપનીમાં લોનના હપ્તાની રકમ રૂ.૧૧,૫૮,૪૯૮ જમા ન કરાવી પૂરેપૂરી લોનની રકમ પોતાના અંગત કામમાં વાપરી નાખી ઉચાપત કરી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.
આ અંગે જગદીશભાઈ ચીમનભાઈ વાઘેલાએ ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હરીશભાઈ માછી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.