અમદાવાદ : માધવપુરામાંથી પકડાયેલા રૂ.2500 કરોડના ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર અમિત મજેઠિયાનું વધુ એક રૂ.1195 કરોડનું ક્રિકેટ સટ્ટાનું રેકેટ પકડાયુ છે.
અમદાવાદ : માધવપુરામાંથી પકડાયેલા રૂ.2500 કરોડના ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર અમિત મજેઠિયાનું વધુ એક રૂ.1195 કરોડનું ક્રિકેટ સટ્ટાનું રેકેટ પકડાયુ છે. આ રેકેટમાં પણ ઓન લાઈન ઓએસટી અને સીબીટીએફ બુક નામની એપ્લિકેશનથી સટ્ટો રમાડતો હતો. મજૂરો, ખેડૂત, ડિલિવરી બોયના ડમી બેંક એકાઉન્ટનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા થયો હતો. માધવપુરાના ક્રિકેટ સટ્ટામાં ફરાર અમિત મજેઠિયા શ્રીલંકાથી સટ્ટાનું નેટવર્ક ચલાવે છે. સીઆઈડી ક્રાઈમે તેની સામે 7 ગુના નોંધ્યા છે.

હેમંત ટ્રેડિંગના એકાઉન્ટમાં એક જ વર્ષમાં રૂ.342 કરોડ, શિવમ ટ્રેડિંગના ખાતામાં રૂ.636 કરોડ અને ખોનાજી વાઘેલાના એકાઉન્ટમાં રૂ.217 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. ખાતેદારની ચેક બુક અને પાસબુક સટ્ટો રમાડતી ટોળકી તેમની પાસે રાખી એકાઉન્ટ ઓપરેટ કરતી હતી.
સટ્ટો રમાડવા માટે બનાવવામાં આવેલી બંને એપ જૂનાગઢના ભાવેશ સચાણીયા અને અમિત મજેઠિયાના નામે રજિસ્ટર્ડ થઈ હતી. સીઆઈડી ક્રાઇમે મજેઠિયા ઉપરાંત ઓમશંકર તિવારી, ભાવેશ સચાણિયા, અશ્વિન સચાણિયા, ધનંજય પટેલ, વિકી અને ભાવેષ જોશી સામે ગુનો નોંધ્યો છે. ટોળકીએ એક વર્ષમાં 2,92,842 એન્ટ્રીથી જુદા જુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
મજૂરના નામે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો બતાવ્યો
લીમડીમાં રહેતા અને મજુરી કરતા શિવમ રાવળે લોન લેવા માટે વીકી નામના માણસને ડોક્યુમેન્ટસ આપ્યા હતા. તે ડોક્યુમેન્ટસના આધારે વીકીએ શિવમના નામથી નવરંગપુરા અનહિલ કોમ્પ્લેક્સમાં શિવમ ટ્રેડિંગ નામની એક્સપોર્ટ-ઈમ્પોર્ટની કંપની બનાવીને કંપનીના નામનું નરોડાની આઈડીએફસી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં રૂ.636 કરોડના ટ્રાન્ઝેક્શન થયાં હતાં.
ખેડૂતના ખાતામાં રૂ. 217 કરોડના ટ્રાન્ઝેક્શન
કાંકરેજમાં રહેતા અને ખેતીવાડી કરતા ખોનાજી ગોકાજી વાઘેલાને લોન માટે રૂ.3 હજાર આપવાની વાત કરીને ભાવેશ ભુરાભાઈ જોશીએ બનાસકાંઠાની ઈન્ડસ ઈન બેંકમાં એકાઉન્ટ ખોલાવડાવ્યુ હતુ. જેમાં આ ટોળકીએ રૂ.217 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હતા.
ડિલિવરી બોયના ખાતામાં 342 કરોડના સોદા કર્યા
અમિત મજેઠિયાના સાગરિત ધનંજય પટેલે સટ્ટાના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવા હેમંતકુમાર સિકરવાલ (ઠક્કરબાપાનગર)ના નામથી આશ્રમ રોડ પરની ઈન્ડસ ઈન બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. જેમાં 8-6-21 થી 5-11-23 સુધીમાં રૂ.342 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. પોલીસે તપાસ કરતા હેમંતકુમાર ફૂડ ડિલિવરીનું કામ કરી મહિને રૂ.30 હજાર કમાતો હતો. ધનંજયે એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તેને ટ્રાન્ઝેક્શન માટે મહિને રૂ.10થી 12 હજાર આપતો હતો.