હરણીના બોટકાંડમાં કોર્પોરેશનની બેદરકારી પણ કેન્દ્રસ્થાને રહી છે ત્યારે સિટ દ્વારા આવી બેદકારીના મુદ્દા અને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
હરણીના લેકઝોનમાં ૧૪ નિર્દોષોનો ભોગ લેનાર બોટ દુર્ઘટનાના બનાવમાં પોલીસ કમિશનર દ્વારા રચાયેલી સિટ દ્વારા પકડાયેલા ૧૩ આરોપીઓનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. જેની તપાસ દરમિયાન નવા આરોપીના નામ ખૂલે તેવી શક્યતા છે.
તો બીજી તરફ સિટના અધ્યક્ષ મનોજ નિનામા, ડીસીપી પન્ના મોમાયા સહિતના અધિકારીઓ દ્વારા સમગ્ર બનાવમાં કોર્પોરેશનની ક્યાં ક્યાં બેદરકારી હતી તે મુદ્દે વિગતવાર તપાસ કરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ આપી દીધા બાદ કોર્પોરેશને ક્યારે ક્યારે ઇન્સ્પેક્શન કર્યું,શું સૂચનો કર્યા તેની માહિતી પણ લેવામાં આવી રહી છે.

આ ઉપરાંત બોટ ઉંધી પડી જાય કે રાઇડ્સની દુર્ઘટના સર્જાય તો તેવા સંજોગોમાં રેસ્ક્યૂ માટે લેકઝોનના ભાગીદારો દ્વારા કોઇ વધારાનો સ્ટાફ રાખવામાં આવ્યો હતો કે કેમ તેની તપાસ માટે પગાર બિલ તેમજ હાજરી પત્રક જેવા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
પકડાયેલા 13 આરોપીમાંથી 8 આરોપી એકબીજાના સગાં છે
હરણી લેકઝોનના પ્રકરણમાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટની શરતોનો ક્યાં ક્યાં ભંગ થયો છે તેના મુદ્દા તારવવામાં આવી રહ્યા છે. તો બીજીતરફ સંચાલકો દ્વારા પોતાના સગાંઓને વહીવટમાં સામેલ કરવામાં આવતા હોવાની માહિતી ખૂલી છે.જેમાં પકડાયેલા ૧૩ આરોપીઓમાંથી સૂત્રધાર પરેશ શાહ અને ગોપાલ શાહ સાઢુ થાય છે.
જ્યારે,ગઇકાલે પકડાયેલા દોશી પરિવારના ત્રણ સભ્યો પૈકી ૭૦ વર્ષીય જતીન દોશી પણ પરેશના માસીના દીકરા થતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.