જેમની પાસે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાની વ્યવસ્થા હશે એવા કોચિંગ ક્લાસની નોંધણી કરાશે અને બાકીનાઓને તાળાં મારી દેવાશે
કોચિંગ ક્લાસીસનો કેર કાયદાથી બંધ ના થાય, વાલીઓએ જાગવું પડે
શિક્ષણશાસ્ત્રીઓના મતે, કેન્દ્રનો ઉદ્દેશ સારો છે પણ માત્ર ગાઈડલાઈન બનાવવાથી આ સમસ્યા ઉકેલાવાની નથી. ભારતમાં હજારોની સંખ્યામાં કોચિંગ ક્લાસીસ અને ઈન્સ્ટિટયુટ્સ છે. તેમાં લાખો નહીં પણ કરોડો વિદ્યાર્થીઓ ભણે છે. મોટા ભાગના કોચિંગક્લાસ અને ઈન્સ્ટિટયુટ્સ વિદ્યાર્થીઓ પાસેથી રોકડામાં ફી લે છે ને વિદ્યાર્થીઓનો કોઈ રેકોર્ડ રાખતાં નથી. આ સંજોગોમાં ક્યા ક્લાસમાં 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થી ભણે છે એ શોધવું જ શક્ય નથી.
કેન્દ્ર સરકાર દેશમાં કોચિંગ ક્લાસ માટેની નવી ગાઈડલાઈન બહાર પાડવાની તૈયારીમાં છે. કેન્દ્રના શિક્ષણ વિભાગે સૂચવેલી ગાઈડલાઈનમાં સૌથી મોટી દરખાસ્ત એ છે કે, કોઈ પણ કોચિંગ ક્લાસ ૧૬ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા અથવા સેકન્ડરી એટલે કે દસમા ધોરણની પરીક્ષા આપવા માટે લાયક ના હોય એવા વિદ્યાર્થીઓને નહીં લઈ શકે. આ ઉપરાંત કોઈ પણ કોચિંગ ક્લાસ કે ઈન્સ્ટિટયુટ સારા માર્ક્સ કે રેન્ક અંગે ગેરંટી કે ગેરમાર્ગે દોરનારું વચન નહીં આપી શકે
જેમની પાસે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાની વ્યવસ્થા હશે એવા કોચિંગ-ક્લાસની જ નોંધણી કરાશે ને બાકીનાં કોચિંગ ક્લાસ કે ઈન્સ્ટિટયુટને તાળાં મારી દેવાં પડશે.
કોચિંગ ક્લાસ કે ઈન્સ્ટિટયુટ ગ્રેજ્યુએટ ના હોય એવા લોકોને કે પછી નૈતિક પતનના ગુનામાં દોષિત ઠરેલા હોય એવા કોઈ પણ વ્યક્તિને નોકરીએ નહીં રાખી શકે. ટયુશન ફી પણ વ્યાજબી રાખવી પડશે અને નોટ્સ કે બીજા કોઈ પણ પ્રકારના મટીરિયલ માટે વધારાની કોઈ ફી વસૂલી શકાશે નહીં. કોઈ વિદ્યાર્થી વચ્ચેથી કોચિંગ-ક્લાસ કે ઈન્સ્ટિટયુટ છોડી જાય તો ૧૦ દિવસમાં તેની ફી પાછી આપવી પડશે.
આ તો કેન્દ્ર સરકારે સૂચવેલી ગાઈડલાઈનના મહત્વના મુદ્દા છે. ગાઈડલાઈનમાં આ સિવાય પણ ઘણી બધી બાબતોને આવરી લેવાઈ છે.
વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડવા માટે શું કરવું ત્યાંથી માંડીને ક્લાસમાં તેવી સવલતો હોવી જોઈએ ત્યાં સુધીની બાબતોને ગાઈડલાઈનમાં આવરી લેવાઈ છે.
ADVERTISEMENT
બાળકોની માનસિક તંદુરસ્તી જાળવવા શું કરવું ત્યાંથી માંડીને કોચિંગ-ક્લાસ કે ઈન્સ્ટિટયુટમાં ભણાવનારા લોકોની શૈક્ષણિક લાયકાતો સુધીના મુદ્દાને પણ આવરી લેવાયા છે.
શિક્ષણ મંત્રાલયની આ ગાઈડલાઈનનો અમલ ક્યારથી કરાશે તેની સ્પષ્ટતા કરાઈ નથી પણ આવતા મહિને દેશભરમાં પરીક્ષાઓની મોસમ શરૂ થશે. એ પછી તરત કોચિંગ ક્લાસીસનું નવું સત્ર શરૂ થઈ જશે એ જોતાં નજીકના ભવિષ્યમાં તેનો અમલ શરૂ કરવાનો સરકારનો ઈરાદો છે એ સ્પષ્ટ છે.
આ ગાઈડલાઈન સરકારે બનાવવી પડી તેનું કારણ કોટા ફેક્ટરી છે. ભારતની ટોચની મેડિકલ અને એન્જીનિયરિંગ કોલેજોમાં એડમિશન લેવા માટે રાજસ્થાનના કોટામાં કોચિંગ લેતા વિદ્યાર્થીઓના આપઘાતની વધતી ઘટનાનો મુદ્દો લાંબા સમયથી ગાજ્યા કરે છે.
સતત તણાવ અન પરફોર્મન્સના પ્રેશરના કારણે વિદ્યાર્થીઓ મોતને વહાલું કરી લે એ ચિંતાજનક કહેવાય જ.
કોટામાં તો આપઘાતનું પ્રમાણ બહુ વધારે છે. ૨૦૨૩ના એક જ વર્ષમાં ૨૯ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો તેથી કોટા તો ક્યારનુંય ચર્ચામાં છે.
કોટામાં વધતી આપઘાતની ઘટનાઓને પગલે રાજસ્થાનના તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોતે આપઘાત રોકવા માટે શું કરવું તેની ભલામણો કરવા સમિતી પણ રચી હતી. આ સમિતી તેનો અહેવાલ આપે એ પહેલાં ગેહલોત ઘરભેગા થઈ ગયા પણ આપઘાતનો સિલસિલો રોકાયો નથી તેથી છેવટે કેન્દ્ર સરકારે પોતે ગાઈડલાઈન બનાવવી પડી.
કોચિંગ ક્લાસને નાથવા માટે કંઈ પણ કરાય એ સારું જ કહેવાય પણ તેના કારણે ખરેખર વિદ્યાર્થીઓના આપઘાત રોકાશે અને તણાવ ઓછો થશે કે નહીં એ મુદ્દો વધારે મહત્વનો છે. શિક્ષણશાસ્ત્રીઓના મતે, કેન્દ્રનો ઉદ્દેશ સારો છે પણ માત્ર ગાઈડલાઈન બનાવવાથી આ સમસ્યા ઉકેલાવાની નથી. ભારતમાં હજારોની સંખ્યામાં કોચિંગ ક્લાસીસ અને ઈન્સ્ટિટયુટ્સ છે. તેમાં લાખો નહીં પણ કરોડો વિદ્યાર્થીઓ ભણે છે. મોટા ભાગના કોચિંગ ક્લાસ અને ઈન્સ્ટિટયુટ્સ વિદ્યાર્થીઓ પાસેથી રોકડામાં ફી લે છે ને વિદ્યાર્થીઓનો કોઈ રેકોર્ડ રાખતાં નથી.
આ સંજોગોમાં ક્યા ક્લાસમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થી ભણે છે એ શોધવું જ શક્ય નથી.
શિક્ષણ એ રાજ્યોનો પ્રશ્ન છે અને રાજ્યોના શિક્ષણ વિભાગો પાસે એટલો સ્ટાફ નથી હોતો કે, દરેક કોચિંગ ક્લાસ પર નજર રાખી શકે, આ કોચિંગ ક્લાસ ગાઈડલાઈનનું પાલન કરે છે કે નહીં એ જોઈ શકે. ગાઈડલાઈન પ્રમાણેની સવલતો ક્લાસમાં છે કે એજ્યુકેટેડ સ્ટાફ છે કે નહીં તેનું પણ ધ્યાન રાખી શકે. આ સંજોગોમાં ગાઈડલાઈન બનાવવાથી અર્થ નહીં સરે.
ગુજરાતીમાં કહેવત છે કે, ઉંટે કાઢયા ઢેકા તો માણસે કર્યાં કાઠાં. ભારતમાં કોઈ પણ નિયમ કે કાયદો બનાવો એટલે તરત જ તેનો તોડ શોધી લેવાતો હોય છે. કોચિંગ-ક્લાસ માટેની ગાઈડલાઈનના પાલનમાં પણ એવું થશે જ, બલ્કે આ ગાઈડલાઈન અમલી બને એ પહેલાં તેનો તોડ શોધવાની ક્વાયત શરૂ થઈ જ ગઈ હશે. આપણે ત્યાં તંત્ર પણ ભ્રષ્ટ છે તેથી ગાઈડલાઈનના બહાને હપ્તા ચાલુ થઈ જાય એવું પણ બને.
વાસ્તવમાં કોચિંગ ક્લાસના કારણે આપઘાતની વઘતી ઘટનાઓ કે બાળકોમાં સર્જાતી સ્ટ્રેસની સમસ્યાનો ઉકેલ સરકારી રહે બનાવાતી ગાઈડલાઈનમાં નથી પણ વાલીઓ પાસે છે. અત્યારે વાલીઓ પોતાનાં સંતાનોને સાવ નાની વયે કોચિંગ ક્લાસીસમાં મૂકી દે છે. નર્સરી કે કે.જી.માં ભણતાં બાળકોને પણ કોચિંગ માટે મૂકી દેવાતાં હોય છે. મા-પાબને એવું જ લાગે છે કે, પોતાના સંતાનને ટયુશન નહીં મળે તો પાછળ રહી જશે તેથી સાવ નાની વયથી જ તેમને ટયુશન શરૂ કરાવીને સારા માર્ક્સનું પ્રેશર અપાવા માડે છે.
વાલીઓની આ માનસિકતાનો કોચિંગ-ક્લાસવાળા લાભ લે છે અને આંબા-આંબલી બતાવીને વિદ્યાર્થીઓની ભરતી કરાવી દે છે. વિદ્યાર્થી પોતાની ક્ષમતા પ્રમાણે ભણતા હોય છે ને માર્ક્સ લાવતા હોય છે પણ કોચિંગ ક્લાસે લોભામણા દાવા કર્યા હોય એ પ્રમાણે માર્ક્સ નથી આવતા તેથી પ્રેશર આપવાનું શરૂ થાય છે. તેમાં વિદ્યાર્થીઓમાં તણાવ વધે છે ને છેવટે તેનું પરિણામ આપઘાત કે ડીપ્રેશનમાં આવે છે. કોચિંગ ક્લાસને નાથવા હોય તો વાલીઓએ માનસિકતા બદલવી પડે. કાયદો બહુ કંઈ ના કરી શકે.
ભારતમાં કોચિંગ ક્લાસીસનું ટર્નઓવર 1 લાખ કરોડથી વધુ
ભારતમાં કોચિંગ ક્લાસ બિઝનેસનું ટર્નઓવર અબજો રૂપિયાનું છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં કોચિંગ ક્લાસ બિઝનેસનું કુલ ટર્નઓવર ૧ લાખ કરોડ રૂપિયાથી વધારે છે. ભારતમાં દરેક પ્રકારની પરીક્ષાની તૈયારી માટેનાં અલગ અલગ સેન્ટર્સ છે.
દાખલા તરીકે સવિલિ સર્વિસીસ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષઓની તૈયારી માટેનું સૌથી મોટું કેન્દ્ર દિલ્હી છે તો મુંબઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) બનવા માગતા વિદ્યાર્થીઓને તૈયારી કરાવવા માટેનું સૌથી મોટું સેન્ટર છે. આઈટી અને કોમ્પ્યુટરમાં વિદેશ જઈને કારકિર્દી બનાવવા માગતા વિદ્યાર્થીઓ માટે હૈદરાબાદ અને બેંગલુરૂમાં કોચિંગ ક્લાસીસ ધમધમે છે.
ભારતમાં કોટા કોચિંગ ક્લાસનું સૌથી મોટું સેન્ટર છે અને એકલા કોટામાં જ કોચિંગ ક્લાસ બિઝનેસ ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધારેનો છે. આઈઆઈટી અને એનઆઈટી સહિતની એન્જિનિયરિંગની મહત્વની ડીગ્રીઓ માટે લેવાતી જેઈઈ-મેઈન અને મેડિકલ કોર્સીસમાં એડમિશન માટે લેવાતી નીટ એક્ઝામ્સના ૧૦૦થી વધારે ક્લાસ કોટામાં ચાલે છે. દેશભરના બે લાખથી વધારે વિદ્યાર્થી જેઈઈ-મેઈન અને નીટની તૈયારી માટે કોટા આવે છે. તેમની પાસેથી ૫ લાખ રૂપિયાથી શરૂ કરીને બે કરોડ રૂપિયા સુધીની ફી લેવાય છે.
કોટાના ક્લાસીસમાંથી ૪૦ જેટલા ક્લાસમાં તો ચાર હજારથી વધારે વિદ્યાર્થી ભણે છે. એકલા કોટાના કોચિંગ ક્લાસ બિઝનેસનું વાષક ટર્નઓવર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે હોવાનું કહેવાય છે. દેશભરમાંથી લગભગ બે લાખ જેટલા વિદ્યાર્થી કોચિંગ માટે કોટા આવે છે.
અત્યારે માત્ર બિહારમાં કોચિંગ ક્લાસ રજિસ્ટ્રેશનનો કાયદો
કાયદા કે ગાઈડલાઈન બનાવીને કોચિંગ ક્લાસીસને કાબૂમાં લેવાની વાતો પહેલાં પણ થઈ છે પણ કશું થયું નથી. અત્યારે માત્ર બિહારમાં કોચિંગ ક્લાસીસનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. બિહાર કોચિંગ ઈન્સ્ટિટયુટ (કંટ્રોલ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૨૦૧૦ હેઠળ કડક જોગવાઈઓ અમલી છે પણ તેના કારમે ભ્રષ્ટાચાર વધ્યો છે.
ડો. મનમોહનસિંહની સરકાર વખતે શિક્ષણ મંત્રી ડી. પુરંદેશ્વરીએ કોચિંગ સેન્ટર્સના દૂષણને ડામવા માટે કાયદો લાવવાની જાહેરાત કરેલી. આ કાયદો તો ના બન્યો પણ નિયમો લવાયેલા કે જેમાં બેફામ લેવાતી ફી પર નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરાયેલું. તેના કારણે ફીમાં પણ કોઈ ઘટાડો થયો નથી.
ઉત્તર પ્રદેશના મહેન્દ્ર મોહન પાલે તો ૨૦૦૭માં રાજ્યસભામાં કોચિંગ સેન્ટર્સ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) બિલ ૨૦૦૭ પ્રાઈવેટ મેમ્બર્સ બિલ તરીકે રજૂ કરેલું. સાંસદોએ તેમની વાતને સમર્થન આપેલું પણ પછી કશું થયું નહીં. ૨૦૧૫માં પણ આ મુદ્દો સંસદમાં ગાજેલો પણ પછી બધું ભૂલાઈ ગયું.
રાજસ્થાનના કોટામાં આ સમસ્યા ગંભીર છે તેથી રાજસ્થાન સરકારે કોચિંગ ક્લાસને અંકુશમા લેવા કાયદો બનાવવાની વાતો બહુ કરી પણ કશું થયું નથી.