જૂનાગઢમાં સીઆર પાટીલના હસ્તે ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા
ભાજપનું લોટસ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. પક્ષપલટાની મોસમમાં રોજ કોઈને કોઈ નેતા ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે એક મહિના પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. ત્યારે AAPના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાયા છે. જૂનાગઢમાં સીઆર પાટીલના હસ્તે ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા હતા.
કોણ છે ભૂપત ભાયાણી?
- 2022માં જૂનાગઢના વીસાવદરથી ચૂંટાયા
- ભાજપના હર્ષદ રીબડિયાને હરાવી ધારાસભ્ય બન્યા
- મૂળ ભાજપના ગૌત્રના છે ભાયાણી
- મતવિસ્તારમાં 108ની છાપ ધરાવે છે
- લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે ભાયાણી
- વિધાનસભા ચૂંટણી પહેલા જ AAPમાં જોડાયા હતા
તો ભૂપત ભાયાણી બાદ આવતી કાલે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે. થોડા સમય પહેલા ભૂપત ભાયાણી બાદ ચિરાગ પટેલે પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે તેઓ પણ આવતીકાલે કેસરિયા કરવા જઈ રહ્યાં છે.
કોણ છે ચિરાગ પટેલ?
- ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય
- 2022ની ચૂંટણીમાં વિજય મેળવ્યો
- 3711 મતથી ભાજપના મહેશ રાવલને હરાવ્યા
- 1990 બાદ કોંગ્રેસને ખંભાતમાં અપાવી હતી જીત
- ચિરાગ પટેલને મળ્યા હતા 69,069 મત
- ચિરાગ પટેલ વ્યવસાસે કોન્ટ્રાક્ટર છે
- ચિરાગ પટેલે ધોરણ 10 સુધી કર્યો અભ્યાસ
- વાસણાના સરપંચપદે પણ કરી ચૂક્યા છે કામ
- સહકારી ક્ષેત્રમાં ચિરાગ પટેલ ધરાવે છે પ્રભુત્વ
- કોંગ્રેસના જૂના કાર્યકર છે ચિરાગ પટેલ..
લોકસભા ચૂંટણી પહેલા AAP પાર્ટીને ઝટકો
આજે એક તરફ ભૂપત ભાયાણીએ પક્ષપલટો કર્યો છે, તો બીજી તરફ, AAP ગુજરાતમાંથી રોહિત ભુવાએ રાજીનામું આપ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રોહિત ભુવાએ જેતપુર – જામકંડોરણાથી આપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આપની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામુ આપ્યું છે.
સાથે જ પોરબંદર લોકસભા ઈન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓએ અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારે ભાયાણીને પગલે રોહિત ભુવા ભાજપમાં જોડાય તેવી શકયતા નકારી શકાય નહિ.