સીએમ કેજરીવાલે તપાસ એજન્સી પર લગાવ્યો આરોપ, કહ્યું ‘પૂછપરછના બહાને મારી ધરપકડ કરવા માગે છે’
દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે!
Delhi Excise Policy Case: દિલ્હી લિકર પોલિસી મામલે કેજરીવાલ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે દરેક પ્રશ્નોના જવાબ આપ્યા જે ઈડી દ્વારા ત્રણ સમન્સ પાઠવ્યા બાદ સતત પૂછવામાં આવી રહ્યા હતા. તેમણે ઈડીના સમન્સને ગેરકાયદે ગણાવતા કહ્યું,”તપાસ એજન્સી લોકસભા ચૂંટણી પહેલા મારી ધરપકડ કરવા માગે છે.”
ભાજપ ખોટા આક્ષેપો કરીને મારી ધરપકડ કરવા માગે છે: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે,“દારૂ કૌભાંડ…તમે છેલ્લા બે વર્ષમાં આ શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. પરંતુ આ બે વર્ષમાં તપાસ બાદ પણ ક્યાંયથી એક પૈસો મળ્યો નથી. જો કૌભાંડ થયું છે તો પૈસા ગયા ક્યાં, શું પૈસા હવામાં અદ્રશ્ય થઈ ગયા? આમ આદમી પાર્ટી (AAP)ના ઘણાં નેતાઓને જેલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ભાજપ ખોટા આક્ષેપો કરીને મારી ધરપકડ કરવા માગે છે. મને સમન્સ મોકલવામાં આવ્યા હાત, મારા વકીલોએ કહ્યું કે, આ સમન્સ ગેરકાયદે છે.”
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાતા કહ્યું કે, જો બે વર્ષથી તપાસ ચાલી રહી છે તો લોકસભા ચૂંટણી પહેલા કેમ બોલાવવામાં આવી રહ્યા છે? સીબીઆઈએ આઠ મહિના પહેલા મને પૂછપરછ માટે બોલાવ્યો હતો. મે પણ જઈને જવાબો આપ્યા હતા. તેઓ મારી ધરપકડ કરવા માગે છે, જેથી હું ચૂંટણી પ્રચાર ન કરી શકું. આજે ભાજપ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે ઈડી અને સીબીઆઈનો ઉપયોગ કરી રહી છે.