Junagadh: લોહી ટપકતું હતું અને પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી દીધેલો, પછી થયું મોત, કાયદા અને માનવતાને નેવે મૂકીને નિર્દોષ લોકો અને આરોપીઓ પર અત્યાચાર
કાયદા અને માનવતાને નેવે મૂકીને નિર્દોષ લોકો અને આરોપીઓ પર અત્યાચાર ગુજારવા મામલે કદાચ ગુજરાત પોલીસનો જોટો નહિ જડે. ખેડા જિલ્લામાં આરોપીઓને જાહેરમાં માર મારવાના બનાવમાં સુપ્રીમ કોર્ટે હમણાં જ નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે ‘લોકોને જાહેરમાં બાંધીને માર મારવાનો પોલીસને કોઈ અધિકાર નથી’ આ સમાચાર હજી તાજા જ હતા ત્યાં જૂનાગઢમાં પોલીસના જુલમનો એથી પણ ગંભીર મામલો સામે આવ્યો છે.
કાયદા અને માનવતા : આજના આ બનાવમાં પીએસઆઈ જેવા જવાબદાર અધિકારીએ એક આરોપીને એટલી હદે માર માર્યો હતો કે તેનો જીવ નીકળી ગયો. એવું કહેવાય છે આરોપીએ માર ન મારવાના પૈસા ન આપ્યા એટલે ફોજદારે તેને બરહેમીથી ધોકાવ્યો હતો. જો કે સાચું શું છે એ તપાસ દરમ્યાન બહાર આવશે પણ પોલીસે ગુજારેલા અમાનુષી સિતમથી યુવકનું મોત થયું છે એ બનાવે ચોક્કસ ચર્ચા જગાવી દીધી છે અને રાજ્યની પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
22 જાન્યુઆરી 2024ના રોજ એક તરફ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હર્ષિલ લક્ષ્મણભાઈ જાદવ નામનો 40 વર્ષીય યુવાન જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધીના પોલીસ રીમાન્ડ દરમિયાન જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI મુકેશ મકવાણાએ હર્ષિલને લાઠી-પટ્ટાથી એવો ઢોરમાર માર્યો કે તેનું માથું ફાટી ગયું; પગ ભાંગી ગયો. તેના શરીરમાં લોહી ગંઠાઈ ગયું અને તે બેહોશ બની ગયો. પોલીસ રીમાન્ડ બાદ હર્ષિલને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે હર્ષિલના માથામાંથી લોહી ટપકતું હતું. મેજિસ્ટ્રેટે તરત જ હર્ષિલને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આ યુવકનું મોત થયું છે.
કાયદા અને માનવતા : જૂનાગઢમાં થોડા સમય પહેલા અમદાવાદના શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાના કામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ મકવાણાએ આરોપી હર્ષિલ જાદવની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પીએસઆઇએ બેરહેમેથી માર મારતા માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.



ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશનેથી કોર્ટમાં લઈ જતા જજ પણ ચોકી ઊઠ્યા હતા અને તુરંત જ તપાસનો આદેશ આપ્યો હતો. પરંતુ પોલીસે ચોરી પર સીના જોરીની જેમ ભોગ બનનાર હર્ષિલ જાદવને દવાખાને લઈ જવાને બદલે જેલમાં મોકલ્યો હતો પરંતુ જેલના સત્તાધીશોએ પણ ઇજાગ્રસ્ત હાલતમાં હર્ષિલનો કબજો ન સંભાળ્યો. અંતે હર્ષિલને જામીન પર મુક્ત કરતા અમદાવાદ પહોંચ્યા અને ત્યાં તેની વધુ તબિયત લથડતા તે અમદાવાદની હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. એક ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર આજે સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા છે.
કાયદા અને માનવતા : ઉલ્લેખનીય છે કે પોલીસે જૂનાગઢ બી ડિવિઝનના પીએસઆઇ મુકેશ મકવાણા વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો એટલે હવે ઇજાગ્રસ્ત યુવકનું મોત થતાં હત્યાની કલમ પણ ઉમેરાશે એ ચોક્કસ છે.
કહેવાય છે કે PSI મુકેશ મકવાણાએ નહીં મારવા માટે હર્ષિલ પાસેથી 3 લાખ માંગ્યા હતા. હર્ષિલે મુકેશ મકવાણાને 3 લાખ આપ્યા હોત તો કંઈ થવાનું ન હતું, પરંતુ હર્ષિલ 3 લાખ કાઢે ક્યાંથી? હર્ષિલ સામે 1 લાખ 20 હજારની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. હર્ષિલ સુરત ખાતે ‘તનિષ્કા વેકેશન ક્લબ’ ચલાવતો અને પૈસા લઈ પૂરી સગવડતા આપતો ન હતો, તેથી જૂનાગઢના આસીમ સીડાએ હર્ષિલ સામે FIR નોંધાવી હતી.