કોંગ્રેસે રામ મંદિર મામલે નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ : અર્જુન મોઢવાડિયા
મારા જેવા ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ નિરાશ’, આમંત્રણ ઠુકરાવતા ભડક્યા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર
કોંગ્રેસ દ્વારા બુધવારે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમની પાર્ટીના નેતા રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે નહી. આ નિર્ણય બાદ હવે પાર્ટીમાં જ ખળભળાટ મચી ગયો છે અને નિર્ણય સામે વિરોધના સૂર ઉઠવા લાગ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કૃષ્ણા (Acharya Pramod Krishnam) જેવા નેતાઓએ પક્ષના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે.
Ayodhya Ram Mandir : ઉત્તર પ્રદેશમાં આગામી 22મી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાશે ત્યારે દેશના અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા બુધવારે રામ જન્મભુમિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા આમંત્રણનો અસ્વીકાર કરીને ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે હવે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પાર્ટીના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.
કોંગ્રસના નિર્ણયથી કોંગ્રેસના જ નેતાએ ઉઠાવ્યા સવાલો
કોંગ્રેસે રામ મંદિર મામલે નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ : અર્જુન મોઢવાડિયા
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ હાઈકમાન્ડના નિર્ણય સામે વાંધો ઉઠાવતા સોશિયલ મીડિયા એક્સ પર નિર્ણયની ટીકા કરી હતી અને કોંગ્રેસના નેતા જયરામ રમેશની પોસ્ટને ટેગ કરીને તેમણે લખ્યું હતું કે ભગવાન રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસની વાત છે. કોંગ્રેસે રામ મંદિરના મામલે રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.
આ ઉપરાંત અન્ય નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે શ્રી રામ મંદિરના આમંત્રણને નકારવું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી નિર્ણય છે. આ સિવાય કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે (Ambarish Der) પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ, તેથી સ્વાભાવિક છે કે દેશભરના અસંખ્ય ભક્તોની આસ્થા વર્ષોથી આ નવનિર્મિત મંદિર સાથે જોડાયેલી છે ત્યારે કોંગ્રેસના કેટલાક લોકોએ આ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ. આવા નિવેદનો મારા જેવા ગુજરાત કોંગ્રેસના ઘણા કાર્યકરો માટે નિરાશાજનક છે.
કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કરતા આ કારણ આપ્યું હતું
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ગયા મહિને અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ મળ્યું હતું. દેશના કરોડો ભારતીયો પ્રભુ શ્રી રામની પૂજા કરે છે. ધર્મ હંમેશા માણસની અંગત બાબત રહી છે ત્યારે ભાજપ અને આરએસએસએ વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પોરજેક્ટ બનાવી દીધો છે.
તેમણે આગળ કહ્યું કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આ સ્પષ્ટપણે આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના 2019ના ચૂકાદાને સ્વીકારીને અને લોકોની આસ્થાને માન આપીને આ કાર્યક્રમ માટે આમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કરીએ છીએ.