અયોધ્યા જવા ભક્તો ટ્રેનોમાં લાંબા વેઇટિંગને પગલે સોસાયટીઓ-મંડળો અયોધ્યા માટે ખાનગી બસ બૂક કરાવી રહ્યા છે
અમદાવાદથી 31 કલાકથી વધુની મુસાફરી છતાં અયોધ્યા જવા માટે ભક્તોનો ધસારો
અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાઓની ઘડીઓ ગણાઇ રહી છે અને ભક્તો રામલલાના દર્શન માટે અધીરા બન્યા છે. અમદાવાદથી અયોધ્યા જવા માટેનું વન-વે એરફેર રૂપિયા 16 હજાર જ્યારે રેલવે બૂકિંગ 200ને પાર થઇ જતાં અનેક લોકો હવે 31 કલાકથી વધુની મુસાફરી છતાં બસ મુસાફરી ઉપર પણ પસંદગી ઉતારી રહ્યા છે.
અમદાવાદથી 31 કલાકથી વધુની મુસાફરી છતાં અયોધ્યા જવા માટે ભક્તોનો ધસારો
અયોધ્યા જવા માટે ખાનગી બસના ગ્રુપ બૂકિંગમાં છેલ્લા એક સપ્તાહથી ભારે ઉછાળો આવ્યો છે. અનેક સોસાયટીઓ-મંડળો અયોધ્યા માટે ખાનગી બસ બૂક કરાવી રહ્યા છે. પરંતુ અયોધ્યા માટેનો ધસારો જોઇને ખાનગી બસ સંચાલકોએ છેલ્લા બે સપ્તાહમાં અમદાવાદથી સીધી અયોધ્યા પહોંચાડતી નવી બસ શરૂ કરવામાં આવી છે. હાલ અમદાવાદથી સીધી અયોધ્યા માટે 10 ખાનગી બસો છે. જેમાં ટિકિટના દર રૂપિયા 1500થી રૂપિયા 5200 સુધી છે.
આ બસ રાત્રે 9ના અમદાવાદથી રવાના થઇને 31 કલાક બાદ સવારે 6 કલાકના અયોધ્યા બાય પાસ સુધી પહોંચાડે છે, જ્યાંથી અયોધ્યા પહોંચવા બીજા વાહનની મદદ લેવી પડે છે. આ સ્લિપર બસમાં વાંચવા માટેની લાઇટ, ચાર્જીંગ પોઇન્ટ જેવી સુવિધા હોય છે. અનેક લોકો અમદાવાદથી લખનઉ પહોંચાડતી બસ ઉપર પણ પસંદગી ઉતારે છે. રામભક્તોને નિઃશુલ્ક અયોધ્યા લઇ જવા માટે પણ અનેક સંસ્થાઓ આગળ આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી અયોધ્યા પહોંચવા માટે ફ્લાઇટમાં 1.50 કલાક, ટ્રેનમાં 29 કલાક જ્યારે બસમાં 32 કલાક જેટલો સમય થાય છે.