અમીરગઢ મામલતદારની બોગસ સહી સિક્કા સાથે મહાદેવીયા ઉમરકોટ ગામના લોકોને બનાવટી હુકમ કરાતા અમીરગઢ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી.
અમીરગઢ મામલતદાર કચેરીના બનાવટી સિક્કા કૌભાંડ : ખોટી સરકારી કચેરી, ખોટું ટોલનાકું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લીકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.
અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી તાલુકાના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લીકેટ હુકમો બનાવી 50 થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેટ ખુલાસો થયો છે.

કેટલાક અજાણ્યા ભેજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ સવા કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે.એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામુ કરવા આવવા નું કહેતા કૌભાંડ બહાર આવ્યું.
અમીરગઢ તાલુકામાં કોઈ અજાણ્યા ઈસમોએ મહાદેવીયા ઉમરકોટ ગામના લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી જેમાં મામલતદાર કચેરી અમીરગઢ હોદ્દાના સિક્કા તેમજ કચેરીના ગોળ રાઉન્ડસીલ સહિત મામલતદાર ની ખોટી સહી કરી હુકમો લોકો ને આપી તેમના પાસેથી અઢી લાખ રૂપિયા પડાવી હોવાની ઘટના સામે આવી છે. બનાવ ની જાણ અમીરગઢ મામલતદાર ને થતા મામલતદાર વિક્રમ કુમાર રાવલે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવીયા ઉમરકોટ ગામના એક વ્યક્તિએ 5 જાન્યુઆરી 2024 ના મામલતદારને મળવા પહોંચેલ જેઓ ઉમરકોટની જમીન અંગેની અરજીનું પંચનામુ કરવા મામલતદારને કહેલું હતું. જોકે અમીરગઢ મામલતદાર વિક્રમ કુમાર રાવલે તે વ્યક્તિને નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવેલ હતું. જેથી ઉમરકોટના વ્યક્તિએ મામલતદાર ને કહ્યું હતું કે ઉમરકોટની જમીન ફાળવવા મામલતદાર કચેરી દ્વારા હુકુમ કરેલ છે વ્યકિતએ મામલતદારને પોતાની પાસેની હુકુમની કોપી બતાવતા મામલતદાર ચોકી ઉઠ્યા હતા.
અમીરગઢ મામલતદારે પોતાના કચેરીમાં અન્ય અધિકારીઓને પૂછતા ઓફિસમાંથી આવા કોઈ હુકમ થયેલ ના હોવાનું મામલતદાર ને જાણવા મળ્યું હતું. હુકમમાં સિક્કો તેમજ કચેરીનો ગોળ રાઉન્ડસીલ અને મામલતદારની સહી પણ હતી. જોકે આ હુકુમ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદાર ને જાણવા મળ્યું. જે આ બનાવટી હુકમો માં જમીન ગ્રાન્ટ કરવામાં આવેલી છે તે જમીન ગ્રાન્ટ કરવાના અધિકાર મામલતદારને નથી. આ હુકુમ સંપૂર્ણ બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઇરાદાથી કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ થયું હતું.
મહાદેવીયા ઉમરકોટના વ્યક્તિઓએ અમીરગઢ મામલતદારને કહ્યું કે, આવા હુકમો આશરે 50 એક વ્યક્તિઓને અલગ અલગ આપવામાં આવેલા છે અને દરેક હુકમ દીઠ દરેક વ્યક્તિઓ પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લેવામાં આવેલા છે. અમીરગઢ મામલતદાર વિક્રમ રાવલે અમીરગઢ પોલીસ મથકે ઉમરકોટ મહાદેવીયાના વ્યક્તિએ આપેલ બનાવટી હુકમ આધારે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે અમીરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.