વાપી મારવલ એન્જિનીયર્સ કંપનીના ગોડાઉનમાંથી બોલવાલ્વ ચોરી કરનારા પાંચ ઈસમોને એલસીબી ટીમે ઝડપી પાડયા
વાપી ફોર્થ ફેઝમાં આવેલ મારવલ એન્જિનીયર્સ કંપનીના ગોડાઉનમાંથી તસ્કરોએ રૂ.1.80 લાખના બોલવાલ્વની ચોરી કરનારા પાંચ ઈસમોને એલસીબી ટીમે ઝડપી પાડયા હતા અને મુદ્દામાલ રીકવર કરી વાપી ઉદ્યોગનગર પોલીસમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલની સૂચના તથા એલસીબી વલસાડના પીઆઈ વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એએસઆઈ અજયભાઈ ચૌધરીને મળેલ બાતમી આધારે વાપી જીઆઈડીસી ફોર્ટી શેડ એરીયા, સાંઈ ઈન્ડસ્ટ્રીઝની સામે પહોંચી શંકાસ્પદ ઈસમ નજરે પડયા હતા અને પ્લાસ્ટીકના મીણીયા કોથળામાં રાખેલા બોરવાલ્વ મળી આવ્યા હતાં. જે અંગે પૂછતાછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
જેથી પોલીસે તેઓના નામઠામ પૂછતા (1) અંકિત પ્રદિપ જયસ્વાલ (ઉં.24, રહે. રણછોડનગર, છીરી-વાપી, મૂળ યુપી) (2) અનિલકુમાર મુન્નાપ્રસાદ કુશ્વાહા (ઉં.23, રહે. ખોડિયારનગર, છરવાડા-વાપી, મૂળ યુપી) (3) સાગરસીંગ દયાનંદસીંગ (ઉં.23, રહે. રણછોડનગર, છીરી-વાપી, મૂળ બિહાર) (4) ગિરધારી અમરારામ ગુર્જર (ઉં.21, રહે. ચણોદ કોલોની-વાપી, મૂળ રાજસ્થાન) અને (5) ચંદ્રેશ ઉર્ફે ધર્મેશ ભવરલાલ ગુર્જર (ઉં.19, રહે. સરદાર ચોક, જીઆઈડીસી-વાપી, મૂળ રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
કોથળામાં ભરેલા એસએસના બોલવાલ્વ કુલ નંગ-134 (કિંમત આશરે 1,60,800/-)મળી આવ્યા હતાં. પોલીસે મોપેડ અને બાઈક સહિત મોબાઈલ ફોન કબજે કરી કુલ રૂ.2,40,800/-નો મુદ્દામાલ કબજે કરી સીઆરપીસી કલમ 102 મુજબ કબજે લઈ તેઓની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આ બોલવાલ્વ વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝમાં મારવલ એન્જિનીયર કંપનીના ગોડાઉનમાંથી ચોરી કર્યાનું બહાર આવ્યું હતું.
આ અંગે વાપીના આનંદ નગરમાં રહેતા અને માર્કેટીંગ એકઝીકયુટીવ તરીકે નોકરી કરતા જીતેન્દ્ર પટેલે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલી હતી કે, વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝમાં મારવલ એન્જિનીયર કંપનીનું ગોડાઉન આવેલ છે. આ ગોડાઉનની બારીની ગ્રીલ તૂટેલી હતી અને સ્લાઈડીંગ બારી ખુલ્લી હતી. જે બાદ ગોડાઉનમાં તપાસ કરતા એસ.એસ.ના બોલ વાલ્વની ચોરી થયાનું માલુમ પડયું હતું. ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ કરતા પાંચ ઈસમો નજરે પડયા હતાં.
એલસીબી વલસાડ પીઆઈ વી.બી.બારડની સૂચના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ જે.એન.સોલંકી, એએસઆઈ અજય અમલાભાઈ ચૌધરી, અ.હે.કો. મહેન્દ્ર ગુરજીભાઈ ગામિત, અરૂણ સીતારામભાઈ ઝાંજે, પરેશ રઘજીભાઈ ચૌધરી, કરમણ જયરામભાઈ દેસાઈનાઓએ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી.