આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષામાં સુપરવાઇઝરે પકડી લેતા ઉમેદવાર સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો
ગાંધીનગર : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગઈકાલે આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૨ ની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સેક્ટર ૨૫ની શાળાના સેન્ટરમાં સુરેન્દ્રનગરથી આવેલી મહિલા ઉમેદવાર પરીક્ષા ખંડમાં મોબાઇલ સાથે ઝડપતા તેની સામે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગઈકાલે આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ૨ની પરીક્ષા યોજાઇ હતી.જેમાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં વર્ષા યુવતી પાસેથી પરીક્ષા ખંડમાંથી મોબાઈલ ઝડપાયો હતો. ગાંધીનગરમાં સેક-૨૫ જી.આઈ.ડી. સી નજીક વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ યુનિટ ૨માં પરિક્ષાખંડમાં સુપરવાઇઝરને વર્ષાબેન ધીરુભાઈ સાકરીયા નામના મહિલા ઉમેદવાર પર શંકા જતાં તપાસ કરતાં તેની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ઉપરાંત મોબાઇલની સ્ક્રીન પર જોતાં પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોની વિગત મળી આવી હતી. જેના પગલે ક્લાસના સુપરવાઇઝર દ્વારા આ પરીક્ષા માટે નિમેલા પ્રતિનિધિ સંજય કુમાર દેવાભાઈ માળીને બોલાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મહિલા ઉમેદવાર મોબાઈલ સાથે મળી આવ્યાની જાણ કરવામાં આવી હતી જેથી ચાલુ પરીક્ષામાં તેની પાસે મોબાઇલ ફોન રાખી સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાંનો ભંગ કરતાં મહિલા ઉમેદવાર વર્ષાબેન સાકરીયા રહે નડાણા દેવગઢ સુરેન્દ્રનગર સામે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.