એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ થયેલા ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતને કારણે ચર્ચામાં આવેલી લોકગાયિકા કિંજલ દવેને હવે આ જ ગીત ભારે પડી ગયું છે.
તાજેતરના કેસમાં સિવિલ કોર્ટે તેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ચાર બંગડીવાળી ગીત જ ગાવા બદલ સેશન્સ કોર્ટે તેને આ દંડ ફટકાર્યો હતો. કિંજલ દવેએ તેની ભૂલ બદલ કોર્ટમાં બિનશરતી માફી પણ માંગી.
દંડ ભરવા સાત દિવસનો સમય
કોપીરાઈટ ભંગના આ મામલે કોર્ટે સાત દિવસમાં એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. સિવિલ કોર્ટે કિંજલ દવેને ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીતના કોપીરાઈટ વિવાદ કેસમાં તેને કોઇપણ લાઇવ, પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયા પર આ ગીત ન ગાવા તાકીદ કરી હતી અને તેના પર બૅન મૂક્યો હતો તેમ છતાં તેણે ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના દેશોમાં લાઈવ પરફોર્મ કરતા તેની સામે કોર્ટમાં અરજી દાખલ કરાઇ હતી.
કોણે કર્યો હતો કેસ?
કિંજલ દવે સામે કોર્ટના આદેશની અવગણના કરવા મામલે રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રા.લિ તરફથી કેસ દાખલ કરાયો હતો. જેમાં કોર્ટે તેને એક લાખનો આકરો દંડ ફટકાર્યો હતો અને 7 દિવસમાં રૂપિયા ન ચૂકવે તો સાત દિવસની જેલની સજા ભોગવવા નિર્દેશ આપ્યો હતો.